મુંબઈની બગડતી ઍર ક્વૉલિટીને લઈને લોકોની જાગરૂકતા પણ આ માટેનું એક કારણ છે : ગ્રીન ફટાકડા ભાગ્યે જ જથ્થાબંધ સ્ટોર્સ પર જોવા મળે છે અને રીટેલ સ્ટોર્સ પર એના વિશે કોઈ પૂછતું પણ નથી
મોહમ્મદઅલી રોડ પર આવેલી ફટાકડાની દુકાનમાં ખરીદી કરી રહેલા લોકો (તસવીર : અતુલ કાંબળે)
મુંબઈની ઍર ક્વૉલિટી બગડી રહી છે. એ સાથે શહેરને અન્ય પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ફટાકડાના વેચાણમાં ૨૦ ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે. આ આંકડો લોકોની પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા દર્શાવી રહ્યો છે. જોકે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ)માં વધુ ઘટાડો થાય એવી અપેક્ષા છે.
મસ્જિદ બંદરસ્થિત ફટાકડાના જથ્થાબંધ વેપારી હુસૈન ખાસદારે કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૨૦ વર્ષથી ફટાકડા વેચું છું. આ વર્ષે આજ સુધી (સાતમી નવેમ્બર)માં વેચાણમાં ૨૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઘણો સ્ટૉક હજી વેચાયો નથી અને ગોડાઉનમાં પડ્યો છે. ઘણા લોકોએ પર્યાવરણની ચિંતાને ગંભીરતાથી લીધી છે, જેને કારણે આ ઘટાડો થયો છે.’
ADVERTISEMENT
ગ્રીન ફટાકડા વિશે તેમણે કહ્યું હતું કે ‘નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એનઈઈઆરઆઇ) ગ્રીન ફટાકડા લઈને આવ્યા છે, પરંતુ એ ભાગ્યે જ જથ્થાબંધ સ્ટોર્સ પર જોવા મળે છે અને રીટેલ સ્ટોર્સ પર એના વિશે કોઈ પૂછતું પણ નથી.’
મુંબઈના સૌથી મોટા ફટાકડા વિક્રેતાઓમાંના એક ઈસાભાઈ ફટાકડામાંના એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘અમે સીધા મૅન્યુફૅક્ચરર્સ પાસેથી ફટાકડા ખરીદીએ છીએ. તેમનાં ઉત્પાદનો વેચાઈ જાય છે. હું અહીં સ્ટોર પર દરરોજ જે જોઉં છું એ મુજબ લોકો ભાગ્યે જ ઇકો-ફ્રેન્ડ્લી ફટાકડા વિશે પૂછે છે. હા, આ વર્ષે ફટાકડાનું વેચાણ ઘટી ગયું છે. દિવાળી પહેલાં ફટાકડા ખરીદવા માટે લોકો સામાન્ય રીતે એક કલાકથી વધુ સમય સુધી લાઉનમાં ઊભા રહેતા, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સંખ્યા ઘણી ઓછી છે.’
કાંદિવલીની રહેવાસી સાયલી હાતિમે કહ્યું હતું કે ‘આપણે મુંબઈમાં ધ્યાન નહીં રાખીએ તો સ્થિતિ દિલ્હીના પ્રદૂષણ જેવી થઈ જશે. કોઈ પણ નિયમ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો નથી, કારણ કે ધાર્મિક પરંપરા અને તહેવારની ઉજવણી કરવાની એક રીત હોય છે. આપણે માત્ર નિયંત્રણ રાખવાનું છે.’
કાંદિવલીના અન્ય એક સ્થાનિક રિતેશ ખેડેકરે જણાવ્યું હતું કે ‘મેં પર્યાવરણનું વિચારીને આ વખતે ફટાકડા ન ફોડવાનું નક્કી કર્યું છે. હું જાણું છું કે એનાથી બહુ ફરક પડવાનો નથી, પરંતુ જો દરેક વ્યક્તિ એ જ રીતે વિચારે તો આપણે ચોક્કસ ફરક લાવી શકીએ છીએ. ફટાકડા અવાજનું પ્રદૂષણ પણ કરે છે અને હૉસ્પિટલોની નજીકના ઝોનમાં પ્રતિકૂળ અસર કરે છે.’
ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ્સે પણ ઍર ક્વૉલિટીના મુદ્દાને ઉકેલવા માટે સક્રિય પગલાં લેવાની તાકીદને પ્રકાશિત કરી છે. ભારતમાં સૌથી યુવા ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ્સમાંના એક ગ્રીન સ્કૂલ ઝુંબેશના ઍમ્બૅસૅડર અને ગ્રીન નગર પ્રોજેક્ટના સ્થાપક ઝિદાન કેસ્ટેલિનોએ જણાવ્યું હતું કે ‘મુંબઈમાં પ્રદૂષણને કારણે ઉધરસ તથા માથાના દુખાવાના ઘણા કેસ જોવા મળે છે. ફટાકડા શહેરની જૈવ-વિવિધતાને તોડી નાખે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. દિવાળી પછી શેરીમાં ઘણાં પક્ષીઓ મૃત હાલતમાં પડેલા જોવા મળે છે. કેટલાક ફટાકડા ફોડવા ખાતર તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું એ યોગ્ય નથી એ લોકોને સમજાતું નથી. મેં મારા વિસ્તારની તમામ સોસાયટીઓને ઇકો-ફ્રેન્ડ્લી ફટાકડા બનાવવાની ભલામણ કરી છે. એક ક્રૅકર માટે ઓછામાં ઓછાં ૧૦ વૃક્ષો વાવવાં જોઈએ જેથી ઉત્સર્જનને વૃક્ષો સાથે સરખાવી શકાય.’