પુણે રેલવે સ્ટેશને બે મોટી કેક કાપી હતી
ડેક્કન ક્વીનને ૯૩ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે પ્રવાસીઓએ ગઈ કાલે સીએસએમટી પર કેક કાપીને એની ઉજવણી કરી હતી (તસવીર : પ્રદીપ ધિવાર)
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ રેલવેની પહેલી ડીલક્સ ટ્રેન ‘આઇકૉનિક ડેક્કન ક્વીન’એ ગુરુવારે પુણે અને મુંબઈ વચ્ચેના પ્રવાસ સાથે ૯૩ વર્ષ પૂરાં કર્યાં હતાં.
ડેક્કન ક્વીન મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે રવાના થઈ એ પહેલાં નાગરિકો અને અધિકારીઓએ આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવ્યો હતો અને પુણે રેલવે સ્ટેશને બે મોટી કેક કાપી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલ પણ હાજર હતા.
ADVERTISEMENT
આ દિવસે ટ્રેનને રંગબેરંગી તોરણોથી શણગારવામાં આવી હતી અને ટ્રેનમાંથી ડાબી બાજુએ પ્લૅટફૉર્મના પ્રવેશદ્વાર પર આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. મ્યુઝિક-પાર્ટી દ્વારા વિવિધ ધૂન બનાવવામાં આવી હતી.
સેન્ટ્રલ રેલવેની એક રિલીઝ મુજબ ‘ડેક્કન ક્વીનની પહેલી સફર ૧૯૩૦ની પહેલી જૂને થઈ હતી, જે સેન્ટ્રલ રેલવેના પૂર્વજ એવા ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવેના ઇતિહાસમાં એક લૅન્ડમાર્ક હતો. મુંબઈ-પુણે વચ્ચેની આ પહેલી ડીલક્સ ટ્રેન હતી અને એનું નામ પુણે (ક્વીન ઑફ ડેક્કન – દખ્ખન કી રાની)ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ હતા, પરંતુ ૧૯૪૯ની પહેલી જાન્યુઆરીએ ફર્સ્ટ ક્લાસ બંધ કરવામાં આવ્યો હતો અને સેકન્ડ ક્લાસને ફર્સ્ટ ક્લાસ તરીકે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે ૧૯૫૫ના જૂન સુધી કાર્યરત રહ્યો હતો. સમગ્ર ભારતમાં ડેક્કન ક્વીન એકમાત્ર એવી ટ્રેન છે જેમાં ડાઇનિંગ કાર છે, જે ૩૨ મુસાફરોને ટેબલ-સર્વિસ પૂરી પાડે છે અને એમાં માઇક્રોવેવ અવન, ડીપ ફ્રીઝર અને ટોસ્ટર જેવી આધુનિક પેન્ટ્રી સુવિધાઓ છે.’
રેલવે અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે ‘ડાઇનિંગ કાર પણ ગાદીવાળી ખુરશીઓ અને કાર્પેટથી સજ્જ છે. ડાઇનિંગ કાર અને ટ્રેનના બહારના ભાગને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદ સાથે સંકલન કરીને રેલવે બોર્ડના રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશને તૈયાર કર્યો છે. એ માટે જાહેર જનતાના પણ ઇનપુટ્સ લેવામાં આવ્યા હતા.’