મુંબઈ : 49 વર્ષથી ઓછી એજનાં કોરોના-ડેથ માત્ર 0.4 ટકા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં કોરોના રોગચાળામાં નાની ઉંમરના દરદીઓનાં મૃત્યુનું પ્રમાણ ઘટીને ૦.૪ ટકા અને ૫૦ વર્ષથી વધારે ઉંમરના કોરોના ઇન્ફેક્ટેડ નાગરિકોનાં મૃત્યુનું પ્રમાણ ૪.૪ ટકા થયું છે. રોગચાળાના અગાઉના મહિનાઓમાં નાની ઉંમરના દરદીઓનાં મૃત્યુનું પ્રમાણ ૨.૫ ટકા હતું. એ વખતમાં ૫૦ વર્ષથી વધારે ઉંમરના કોરોના ઇન્ફેક્ટેડ નાગરિકોનાં મૃત્યુનું પ્રમાણ ૧૧ ટકા હતું.
કોવિડ-19ના સૌથી વધારે કેસ વર્કિંગ એજ ગ્રુપમાં છે. રોગચાળો શરૂ થયો ત્યારથી પહેલી વખત ૫૦ વર્ષથી વધારે ઉંમરના અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દરદીઓનું પ્રમાણ સરખું છે. હાલમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દરદીઓનું પ્રમાણ ૫૬ ટકા છે. બન્ને જૂથોના મૃત્યુદરમાં તફાવત છે. જુલાઈ મહિનામાં કોરોનાના દરદીઓનો કુલ મૃત્યુદર પાંચ ટકા હતો. એ વખતમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દરદીઓનાં મૃત્યુનું પ્રમાણ ૨.૫ ટકા અને ૫૦ વર્ષથી વધારે ઉંમરના કોરોના ઇન્ફેક્ટેડ નાગરિકોનાં મૃત્યુનું પ્રમાણ ૧૧ ટકા હતું. માર્ચથી ૧૦ ડિસેમ્બર સુધીમાં બન્ને વયજૂથોનો મૃત્યુદર ઘટ્યો છે.
ADVERTISEMENT
દાદરમાં અંધારામાં કોરોના-ટેસ્ટિંગ
મુંબઈ મહાનગરપાલિકાના જી-નૉર્થ વૉર્ડની ટીમ કોહિનૂર પાર્કિંગ લૉટમાં અંધારામાં કોરોના-ટેસ્ટિંગ કરે છે, કારણ કે એ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી કનેક્શન નથી. જી-નૉર્થ વૉર્ડે એ પાર્કિંગ લૉટને કોરોના ઍન્ટિજન ટેસ્ટ સેન્ટરમાં ફેરવી નાખ્યો છે. એ સેન્ટરમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, ફેરિયા, બસ કન્ક્ટર્સ વગેરેની વિનામૂલ્ય ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. અગાઉ જી-નૉર્થ વૉર્ડની ટીમ એક રૂમમાં ટેસ્ટ કરતી હતી, પરંતુ ઇલેક્ટ્રિસિટીના પ્રૉબ્લેમને કારણે ટીમ એ રૂમની બહાર બેસીને ટૉર્ચના અજવાળામાં ઍન્ટિજન ટેસ્ટ કરે છે. આ સંજોગોમાં સ્ટાફ માટે પીપીઈ કિટ્સ પહેરી રાખવાનું અઘરું બન્યું છે. જી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે આ સમસ્યા વિશે હું જાણતો નહોતો એટલે તપાસ કરીને વહેલી તકે એનો ઉકેલ લાવીશ.

