ટેસ્ટિંગ વધવાને લીધે પૉઝિટિવ દરદીઓની સંખ્યામાં વધારો થયો હોવાનો બીએમસીનો દાવો. ગમે એવી પરિસ્થિતિને પહોંચી વળવા ટેસ્ટિંગ, વૅક્સિનેશન અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર મૂક્યો ભાર
કોરોના ચેકઅપ
હજી થોડા દિવસ પહેલાં સુધી ૧૦૦૦ની અંદર રહેતા કોરોનાના કેસ ૨૦૦૦, ૩૦૦૦નો આંકડો પાર કર્યા બાદ ગઈ કાલે સીધો ૫૦૦૦ના આંકડાને પાર કરી દેતાં મુંબઈગરાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે સુધરાઈનું માનો તો આપણે ચિંતા કરવાને બદલે સાવધ રહેવાની જરૂર છે. ગઈ કાલે મુંબઈમાં ૫૧૮૫ કોરોનાના કેસ નોંધાયા હતા, પણ સુધરાઈનું કહેવું છે કે આ વધારે ટેસ્ટિંગનું પરિણામ છે અને આગામી દિવસોમાં ટેસ્ટિંગ હજી વધારવાના હોવાથી કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે શહેરમાં અત્યારે ૮૪ ટકા કેસ એસિમ્પ્ટોમેટિક હોવાથી હજી ૪૫ ટકા બેડ ખાલી છે અને આ જ કારણસર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હજી પ્રેશર નથી આવ્યું.
આ ઉપરાંત ડેથ-રેટ પણ કન્ટ્રોલમાં હોવાથી લૉકડાઉનની દિશામાં જવા કરતાં બીએમસીએ થ્રી સ્ટેજ પ્લાનિંગ કર્યું છે અને એ પ્રમાણે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એમ જણાવતાં બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસીએ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું હોવાથી કોરોના પેશન્ટની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે યોજાયેલી બેઠકમાં પ્રશાસને ૩ સ્ટેજ પ્લાનિંગ કર્યું છે, જેમાં પહેલો સ્ટેજ છે ટેસ્ટિંગ ઍન્ડ ટ્રેસિંગ. ગઈ કાલે બીએમસી દ્વારા ૪૦,૦૦૦ ટેસ્ટિંગ કરાઈ હતી અને આજથી ૫૦,૦૦૦થી વધુ ટેસ્ટિંગ થશે. એ ઉપરાંત ભીડભાડવાળા પરિસરમાં પણ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. બીજો સ્ટેજ છે વૅક્સિનેશન. વૅક્સિનેશનનું પ્રમાણ અને સ્પીડ વધારવા પર અમારું ધ્યાન છે. બીએમસી હૉસ્પિટલોમાં આજથી બે શિફ્ટમાં વૅક્સિનેશન આપવામાં આવશે. સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી પહેલી શિફ્ટ અને બપોરે બે વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી બીજી શિફ્ટમાં વૅક્સિનેશન આપવામાં આવશે, જેથી વધુ લોકો ડોઝ લઈ શકશે તેમ જ ત્રીજો સ્ટેજ છે હૉસ્પિટલમાં બેડ વધારવાનો. બેડ વધારવાની અમે પૂરી તૈયારી કરી રહ્યા છીએ જેમાં ડીસીએચ-ક્રિટિકલ માટે ૨૫,૦૦૦ બેડ, સીસી૧-એસિમ્પ્ટોમેટિક માટે ૫૦,૦૦૦ બેડ હશે. આમ બીએમસી પાસે કુલ ૭૫,૦૦૦ બેડ હશે જેથી આગામી દિવસોમાં કોરોના દરદીઓની સંખ્યામાં વધારો થાય તો પણ તેમને સારવાર મળી રહે. એની સાથે ઑક્સિજન, આઇસીયુ અને વૅન્ટિલેટરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. એ સાથે જ પ્રાઇવેટ હૉસ્પિટલોને પણ વધારાના બેડ તૈયાર રાખવા કહેવાયું છે. પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ૩૦૦૦ બેડ તૈયાર છે અને વધુ ૨૦૦૦ તૈયાર કરવામાં આવી રહ્યા છે.’
ADVERTISEMENT
લોકલની સર્વિસ ઓછી કરાઈ નથી કે એમાં કોઈ ફેરબદલ કરવાનું અમે વિચાર્યું નથી. લોકલ જેમ છે એમ જ ચાલતી રહેશે.
સુરેશ કાકાણી, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર