બીએમસીએ સૂચના તો આપી દીધી, પરંતુ એક પણ દવાખાનામાં કોવિડ ટેસ્ટિંગ કિટ નથી
Coronavirus News
પ્રતીકાત્મક તસવીર
કોરોનાના કેસમાં વધારો થતાં સુધરાઈએ એનાં દવાખાનાંઓને સાવચેતીના પગલારૂપે કોરોનાનાં લક્ષણ ધરાવતા પેશન્ટ્સનું ટેસ્ટિંગ કરાવવાની સૂચના આપી દીધી હતી, પણ એના પર અમલ થઈ શક્યો નથી, કારણ કે કોઈ પણ દવાખાનામાં કોવિડ ટેસ્ટિંગ કિટ નથી. ‘મિડ-ડે’એ શહેરનાં સુધરાઈનાં પાંચ દવાખાનાંની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે કોઈ પણ દવાખાનાં પાસે ટેસ્ટિંગ કિટ નથી. ક્રિષ્ણા ડાયગ્નોસ્ટિક જેણે નિદાન સુવિધા પૂરી પાડવાનું ટેન્ડર મેળવ્યું હતું એણે હજી સુધી કોવિડ ટેસ્ટિંગ કિટ પૂરી પાડી નથી. કિટ ક્યારે મળશે એની ડૉક્ટરો કે સ્ટાફને ખબર નથી.
સુધરાઈના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે પૂરતી વ્યવસ્થા થયા બાદ ટેસ્ટિંગ શરૂ થશે. ફેબ્રુઆરીના મધ્ય ભાગથી શહેરમાં કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે, જેને કારણે શહેરમાં કોરાનાના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦૦૦ની ઉપર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યના આરોગ્ય વિભાગને ટેસ્ટિંગ વધારવા માટે પહેલાં બે પત્રો લખ્યા છે. પહેલી માર્ચથી બીજી એપ્રિલ સુધીના ટેસ્ટિંગ ડેટાની ચકાસણી કરીએ તો દરરોજ ૧૩૦૦ ટેસ્ટ કરવામાં આવી રહી છે. છેલ્લા ૩૩ દિવસમાં ૪૨૯૧૩ ટેસ્ટ થઈ છે. નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે બહુ ઓછા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે, પરંતુ ટેસ્ટિંગમાં પૉઝિટિવિટી રેટ વધારે છે એથી પ્રસારની હદ જાણવા માટે વધુ ટેસ્ટિંગની જરૂર છે. ગુરુવારે તમામ દવાખાનાંઓને, સુધરાઈના હેલ્થ ડિપાર્ટમેન્ટને તમામ ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેસ લક્ષણ ધરાવનારાઓનું ટેસ્ટિંગ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વળી આ રિપોર્ટ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવશે, પણ કોઈ દવાખાનામાં કોવિડ ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ નથી. હાલમાં હૉસ્પિટલ સ્વૅબ લઈ રહી છે જેને પરીક્ષણ માટે કસ્તુરબા હૉસ્પિટલ મોકલાઈ રહ્યાં છે. ‘મિડ-ડે’ના રિપોર્ટરે પેશન્ટ તરીકે સુધરાઈના હેડક્વૉર્ટર્સ, પરેલ એફ-સાઉથ, દહિસર, મુંબઈ સેન્ટ્રલ અને બાંદરાના દવાખાનામાં પેશન્ટ તરીકે જઈને કોવિડ ટેસ્ટિંગ માટે પૂછ્યું તો એક ડૉક્ટરે કહ્યું કે કોવિડ ટેસ્ટિંગ હજી શરૂ થયું નથી. અમારી પાસે કોવિડ ટેસ્ટિંગ કિટ નથી. અમે ક્રિષ્ણા ડાયગ્નોસ્ટિક્સના એક સ્ટાફરને પેશન્ટ પાસેથી સૅમ્પલ લેવા કહ્યું તો તેણે કહ્યું કે ખબર નથી, અમને ટેસ્ટિંગ કિટ ક્યારે મળશે.
ADVERTISEMENT
નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ કહ્યું કે ‘ગયા સપ્તાહે અમને આ સંદર્ભે સૂચના મળી હતી, પરંતુ કિટ નથી મળી. અગાઉ રોગચાળા દરમ્યાન રૂટીન સૅમ્પલ માટે અલગ અને કોવિડ માટે અલગ વ્યક્તિ હતા, પરંતુ એક વ્યક્તિ બન્ને પ્રકારનું ટેસ્ટિંગ કરશે.’
સુધરાઈની હૉસ્પિટલના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે અમારી પાસે રૅપિડ ઍન્ટિજન કિટ પણ નથી. ‘મિડ-ડે’એ આ મામલે એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગળા ગોમારેને પૂછતાં તેમણે કહ્યું કે ‘અમે તમામ દવાખાનાંઓને ટેસ્ટિંગ માટે જણાવ્યું છે. અમે કૃષ્ણા ડાયગ્નોસ્ટિક સાથે સંપર્કમાં છીએ. તેમણે જરૂરી વ્યવસ્થાની ખાતરી આપી છે. આશા છે કે બેથી ત્રણ દિવસમાં કાર્યવાહી થશે.