નાલાસોપારાનો રાઠોડ પરિવાર રવિવારે પિતરાઈ ભાઈના દીકરાનો જન્મદિવસ હોવાથી ભિલાડ જઈ રહ્યો હતો ત્યારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર મહાલક્ષ્મી મંદિર નજીક ઍક્સિડન્ટ થવાથી ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં
રાઠોડ પરિવારને નડેલા અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા
નાલાસોપારાનો રાઠોડ પરિવાર રવિવારે પિતરાઈ ભાઈના દીકરાનો જન્મદિવસ હોવાથી ભિલાડ જઈ રહ્યો હતો ત્યારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર મહાલક્ષ્મી મંદિર નજીક ઍક્સિડન્ટ થવાથી ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. જે ચાર જણ ઘાયલ થયા હતા એેમાંથી ત્રણને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે
નાલાસોપારામાં રહેતો રાઠોડ પરિવાર રવિવારે પિતરાઈ ભાઈના દીકરાનો બર્થ-ડે હોવાથી સવારે ૧૦ વાગ્યે કારમાં ભિલાડ જવા માટે નીકળ્યો હતો. દરમ્યાન મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર મહાલક્ષ્મી મંદિર નજીક અકસ્માત થતાં પરિવારના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. અન્ય લોકોને હૉસ્પિટલમાં ઇલાજ માટે ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. એમાંથી ત્રણ જણની હાલત સુધારા પર હોવાથી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં તેજલ રાઠોડના પગમાં મોટા પ્રમાણમાં ઈજા થતાં તેને વાપીની એક હૉસ્પિટલમાં સર્જરી માટે ઍડ્મિટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
નાલાસોપારા-વેસ્ટના મોરિયા નગરમાં સનરાઇઝ સોસાયટીની ‘એ’ વિન્ગમાં ૨૦૫ નંબરના ફ્લૅટમાં રહેતા રાઠોડ પરિવારના સાત સભ્યો રવિવારે સવારે દસ વાગ્યે ભિલાડ પિતરાઈ ભાઈના દીકરાનો બર્થ-ડે હોવાથી પોતાની વૅગનઆર કારમાં નાલાસોપારાથી મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેથી ભિલાડ જઈ રહ્યા હતા ત્યારે મહાલક્ષ્મી ઓવરબ્રિજ પાસે આગળ જતા એક કન્ટેનરને પાછળથી તેમની કાર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ૬૫ વર્ષના નરોત્તમ રાઠોડ, ૩૨ વર્ષના તેમના પુત્ર કેતન નરોત્તમ રાઠોડ અને એક વર્ષની આર્વી દીપેશ રાઠોડનાં મૃત્યુ થયાં હતાં.
અકસ્માતમાં ઘાયલ થયેલાં દીપેશ નરોત્તમ રાઠોડ, તેજલ દીપેશ રાઠોડ, મધુ નરોત્તમ રાઠોડ અને સ્નેહલ દીપેશ રાઠોડને સ્થાનિક કાસા હૉસ્પિટલ અને વેદાંત હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કાર ડ્રાઇવ કરતા દીપેશને વધુ માર વાગ્યો ન હોવાથી તેને રવિવારે સાંજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો; જ્યારે મધુબહેન, તેજલ અને સ્નેહલને વાપીની હરિયા હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ મધુબહેન અને સ્નેહલની હાલતમાં સુધારો જોતાં ગઈ કાલે સવારે તેમને પણ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે તેજલના પગમાં વધુ માર વાગ્યો હોવાથી તેને વાપીની અન્ય એક હૉસ્પિટલમાં પગની સર્જરી માટે શિફ્ટ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કાર ડ્રાઇવ કરનારા દીપેશ નરોત્તમ રાઠોડ સામે કાસા પોલીસે રૅશ-ડ્રાઇવિંગ સાથે કલમ ૩૦૪ (બેદરકારીથી મૃત્યુનું કારણ)નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ દીપેશને સીઆરપીસી ૧૪૧ની નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યો છે.
કાસા પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે કાર-ડ્રાઇવર દીપેશ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ ઈજાગ્રસ્ત લોકોની હાલત સુધારા પર છે. તેમનો વાપીની એક હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. ઇલાજ પત્યા પછી તેમનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે.’
દીપેશની બહેન ટીના રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે બનેલા અકસ્માતમાં અમારો પરિવાર વિખેરાઈ ગયો છે. મૃત્યુ પામેલા લોકોના સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજા પામેલા સભ્યોમાં મારી મમ્મી મધુના માથામાં માર લાગ્યો છે, જ્યારે ભાભી તેજલના પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. વાપીની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. રવિવારે સવારે તેઓ ભિલાડ બર્થ-ડેમાં આવવા માટે નીકળ્યાં હતાં ત્યારે તેમનો અકસ્માત થયો હતો. તેમને હૉસ્પિટલ લઈ જતી ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે મને આ ઘટનાની જાણ કરી હતી.’