આવો પ્રશ્ન પૂછીને સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મારી લપડાકઃ શિવસેનાની એસેટ્સ પોતાને ટ્રાન્સફર કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી
સીએમ એકનાથ શિંદે
મુંબઈ : રાજકીય સાઠમારીમાં બાળાસાહેબ ઠાકરેએ બનાવેલી શિવસેનાનાં બે ઊભાં ફાડિયાં થઈ ગયા બાદ બંને જૂથ ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ અને ‘બાળાસાહેબાંચી શિવસેના’ એકનાથ શિંદે જૂથ વચ્ચે રોજેરોજ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચાલતા રહે છે. એમાં વળી મૂળ શિવસેનાની અસ્કયામતો (ઍસેટ્સ) જે હવે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે છે એ શિવસેનાના વધુ વિધાનસભ્યો અને સંસદસભ્યોનો ટેકો ધરાવતા એકનાથ શિંદેના જૂથને ટ્રાન્સફર કરવામાં આવે એવો નિર્દેશ રાજ્ય સરકારને અપાય એવી માગણી ઍડ્વોકેટ આશિષ ગિરિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કરી હતી. એ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ બી. એસ. નરસિંહાની બેન્ચે અરજદારની અરજી ડિસમિસ કરી નાખતાં કહ્યું હતું કે ‘હુ આર યુ? તમે કોણ છો? તમારે આની સાથે શું લેવાદેવા? આ કઈ રીતની અરજી છે? અમે આ અરજીની દખલ ન લઈ શકીએ.’