બાંધકામ કરનારી કંપનીએ પ૩૮ કરોડનું પેમેન્ટ ન કરવાનો કેસ કરતાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત દિવસમાં ૧૦૦ કરોડની બૅન્ક ગૅરન્ટી જમા કરવાનો એસડીબીને આદેશ કર્યો
ફાઇલ તસવીર
વિશ્વનું સૌથી મોટું સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન થાય એ પહેલાં જ વિવાદમાં સપડાયું છે. સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી)ને અઠવાડિયામાં ૧૦૦ કરોડ રૂપિયાની બૅન્ક ગૅરન્ટી રજૂ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. એસડીબીનું બાંધકામ કરનારી અમદાવાદસ્થિત પીએસપી કંપનીએ કામ પૂરું થઈ ગયું હોવા છતાં એસડીબીએ ૫૩૮ કરોડ રૂપિયાનું પેમેન્ટ ન કર્યું હોવાનો દાવો કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જોકે એસડીબીનું કહેવું છે કે કંપનીનો દાવો ખોટો છે, ૯૮ ટકા કામ થયું છે અને એ મુજબનું પેમેન્ટ કંપનીને કરી દેવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવશે.
દેશ જ નહીં, દુનિયાના સૌથી મોટા ડાયમન્ડ માર્કેટ તરીકે ઊભરી રહેલા સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે કરવાના છે ત્યારે એસડીબીનું બાંધકામ કરનારી કંપનીએ કામ પૂરું થઈ ગયા બાદ પણ ૫૩૮.૫૯ કરોડ રૂપિયાનું પેમેન્ટ ન કર્યું હોવાનો દાવો કરતી અરજી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરી હતી, જેની બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે એસડીબીને એક અઠવાડિયામાં દાવાની રકમના ૨૦ ટકા એટલે કે ૧૦૦ કરોડ રૂપિયાની બૅન્ક ગૅરન્ટી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
આ સમાચાર વહેતાં થયા બાદ ડાયમન્ડ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદસ્થિત પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ નામની કંપનીએ આ દાવો અને કોર્ટના આદેશની વિગતો કંપનીની વેબસાઇટ પર મૂકી છે, જેમાં કોવિડને લીધે માર્ચ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન કામ બંધ રહ્યું હતું. આથી એસડીબીના કામમાં વિલંબ થયો હતો. કોવિડનો સમય પૂરો થયા બાદ ઑક્ટોબર ૨૦૨૧માં એસડીબીની કમિટી સાથે પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી (પીએમસી)ની બેઠક મળી હતી, જેમાં વહેલી તકે પ્રોજેક્ટ પૂરો કરવાની સંમતિ સધાઈ હતી. એ સમયે કંપનીએ અનેક દાવા અને ટેક્નિકલ સમસ્યા થતી હતી એની જવાબદારી પીએમસીના મૅનેજિંગ ડિરેક્ટરને સોંપવામાં આવી હતી. ૨૦૨૨ની ૩૦ જૂને કામ પૂરું થવાનું વર્ચ્યુઅલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જોકે એસડીબીના નિર્દેશથી પીએમસીએ ૫૩૮.૫૯ કરોડ રૂપિયાનું પેમેન્ટ નહોતું કર્યું. આથી કંપનીના હિતને ધ્યાનમાં રાખીને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એસડીબી સામે આ રકમનું પેમેન્ટ કરવા માટેનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટે ૬ ડિસેમ્બરે હાથ ધરેલી સુનાવણીમાં એસડીબીને અઠવાડિયામાં ૧૦૦ કરોડ રૂપિયાની બૅન્ક ગૅરન્ટી રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
સુરત ડાયમન્ડ બુર્સની બાંધકામ કમિટીના કન્વીનર લાલજી પટેલે આ સંબંધે એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં એસડીબીનું બાંધકામ કરનારી પીએસપી કંપનીએ અત્યાર સુધી કરેલા કામનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. હજી થોડું કામ બાકી છે એટલે માત્ર બે ટકા રકમ જ કંપનીને એ કામ પૂરું થયું હોવાનું સર્ટિફિકેટ રજૂ કરશે ત્યારે આપી દેવામાં આવશે.
આ વિશે એસડીબીની મીડિયા ટીમના કન્વીનર દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પીએસપી કંપનીએ ૫૩૮ કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી હોવાનો દાવો કર્યો છે એ સદંતર ખોટો અને પાયાવિહોણો છે. એસડીબી દ્વારા અત્યાર સુધી રજૂ કરવામાં આવેલાં તમામ બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. કોવિડના સમયે કામકાજ બંધ હતું ત્યારે કામગારોને જમવાથી લઈને સૂવા-રહેવાની વ્યવસ્થા એસડીબીએ કરી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને અમે હાઈ કોર્ટમાં પડકારીશું.’