ઘરમાં ચોરી કરવાના કેસમાં પકડાયેલા ૧૬ વર્ષના ટીનેજરને કોર્ટે રોજ એક કલાક પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદીઓ, વરિષ્ઠ નાગરિકો અને હૅન્ડિકૅપ્ડ લોકોને એક મહિનો મદદ કરવાની પનિશમેન્ટ કરી
મોબાઇલ-ચોરીની કમાલની સજા
મુંબઈ : આપણે જોયું છે કે ઘણા ગુનામાં આરોપીઓને કાયદા મુજબ સજા થતી હોય છે. એમાં કેટલાકને જન્મટીપની અથવા ફાંસીની સજા પણ થતી હોય છે. જોકે ઑગસ્ટ ૨૦૨૨માં મુલુંડ પોલીસ સ્ટેશનની હદમાં એક ટીનેજરે એક ઘરમાં ચોરી કરી હતી. પોલીસે પાછળથી તેની ધરપકડ કરીને તમામ માલમતા રિકવરી પણ કરી હતી. એ પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં કોર્ટે એક મહિના સુધી દરરોજ એક કલાક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ દરેક ફરિયાદીને મદદ કરવાની સજા આપી છે.
મુલુંડ-વેસ્ટમાં રામગઢ વિસ્તારમાં ૨૨ ઑગસ્ટ ૨૦૨૨ના દિવસે રાતે એક ઘરમાં ચોરી થઈ હતી. એમાં ચોરે ઘરમાં રહેલા ૫૯,૦૦૦ રૂપિયાના ચાર મોબાઇલની ચોરી કરી હતી. આ મામલે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘરફોડ ચોરીનો કેસ નોંધાયા પછી પોલીસે ૧૬ વર્ષના ટીનેજરની અટકાયત કરી અને તેની પાસેથી ચોરેલો માલ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને તેના પરિવારને સોંપી દીધો હતો. મુલુંડ પોલીસે નવેમ્બરમાં ફરી આ ગુનાની ચાર્જશીટ જુવેનાઇલ કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટે ટીનેજરને પહેલી વાર કરેલા આ ગુનામાં દોષી ઠેરવ્યો હતો અને તેને અનોખી સજા સંભળાવી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલીથી ૨૮ ફેબ્રુઆરીની વચ્ચે કિશોર આરોપીને ફરિયાદીઓ, વરિષ્ઠ નાગરિકો અને પોલીસ સ્ટેશનમાં આવતા હૅન્ડિકૅપ્ડ લોકોને મદદ કરવા અને સંબંધિત અધિકારીઓના માર્ગદર્શન માટે દરરોજ એક કલાક મુલુંડ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની સજા કરવામાં આવી છે. એ અનુસાર ગઈ કાલથી ટીનેજર અમારી પાસે આવી રહ્યો છે. એક મહિનો પૂરો થયા પછી એનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.’