આવું કેટલાક ડૉક્ટરોનું માનવું છે: તેમના મતે ચીન સહિતના દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા વેરિઅન્ટથી ભારતે ડરવાની જરૂર નથી
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ સેન્ટર પાસેથી પસાર થઈ રહેલા પ્રવાસીઓ. તસવીર: સતેજ શિંદે
મુંબઈ: ચીન અને જપાન સહિતના દેશોમાં કોરોનાનો નવો વેરિઅન્ટ બીએફડૉટ૭ હાહાકાર મચાવી રહ્યો છે. આ દેશોમાં દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે અને પાંચેક હજાર લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. આવા સમાચારથી ભારતની ચિંતામાં પણ વધારો થયો છે. ભારતમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થવાનો સવાલ ઊભો થયો છે ત્યારે મોટા ભાગના ડૉક્ટરો કહે છે કે ભારતમાં કોરોના શરદી-ખાંસીથી આગળ નહીં વધે. મોટા ભાગના ભારતીયોના શરીરમાં ઍન્ટી બૉડી બની ગઈ છે એટલે કોરોનાનો નવો વેરિઅન્ટ બહુ અસર નહીં કરે. જોકે આપણે બધાએ સતર્ક રહેવું પડશે અને વહેલી તકે જેમના કોવિડ વૅક્સિનના બૂસ્ટર ડોઝ બાકી છે તેમણે લઈ લેવા અને ગિરદીવાળી જગ્યાએ માસ્ક પહેરવું.
કાલિનામાં આવેલી બૉમ્બે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ધ અસોસિએશન ઑફ સર્જન્સ ઑફ ઇન્ડિયાની ચાર દિવસની કૉન્ફરન્સ ગઈ કાલે પૂરી થઈ હતી. આ કૉન્ફરન્સમાં કોરોનાનું નવેસરથી ઊભું થયેલું જોખમ વિશે ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાંથી આવેલા સાત હજાર ડૉક્ટરોએ આ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
બૉમ્બે હૉસ્પિટલ સાથે સંકળાયેલા અને કૉન્ફરન્સના ઑર્ગેનાઇઝેશન સેક્રેટરી ડૉ. નિરંજન અગ્રવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સર્જન ડૉક્ટરોના અમારા અસોસિએશનમાં દેશભરના ૩૨ હજાર ડૉક્ટર મેમ્બર છે અને એમાંથી ૭૦૦૦ ડૉક્ટરોએ ચાર દિવસની કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. સર્જરીની સાથે અમે કોરોનાના ફરીથી ઊભા થઈ રહેલા જોખમ વિશે આ કૉન્ફરન્સમાં ચર્ચા કરી હતી. ભારતમાં ૨૦૨૦ અને ૨૦૨૧માં આવેલી કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. બીજી તરફ, ભારત સરકારે ખૂબ મોટા પાયે કોવિડ વૅક્સિનની ઝુંબેશ શરૂ કરી હતી. આથી ભારતમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ હતી. આથી આપણે કોરોના પહેલાંની સ્થિતિમાં આજે પહોંચી ગયા છીએ. આજે આપણે માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છીએ અને કોરોનાનો ડર આપણામાંથી જતો રહ્યો છે. આમ છતાં આપણે બીમાર નથી પડી રહ્યા. આથી ભારતમાં હવે કોરોના શરદી-ખાંસીથી વિશેષ નથી. આમ છતાં, કોરોના સહિત કોઈ પણ વાઇરસ સ્વરૂપ બદલે તો એ કેટલો ઘાતક બનશે એ કોઈ ન કહી શકે એટલે આપણે સાવધાન તો રહેવું જોઈએ.’
સૈફી હૉસ્પિટલ સાથે સંકળાયેલા અને કૉન્ફરન્સના ઑર્ગેનાઇઝેશન ચૅરમૅન ડૉ. પરવેઝ શેખે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના નવા વેરિઅન્ટથી ભારતમાં બહુ ગભરાવાની જરૂર નથી. નેવું ટકાથી વધુ લોકોના શરીરમાં કોરોના વાઇરસ છે એટલે ઍન્ટી બૉડી બની ગઈ છે. કોરોના વૅક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાનો બાકી હોય એ લઈ લેશે તો વધુ સુરક્ષિત બની જવાશે. બાકી ચીન, જપાન કે બીજા દેશમાં અત્યારે જે હાલત દેખાઈ રહી છે એવી પરિસ્થિતિ ભારતમાં ઊભી થવાની શક્યતા અત્યારે તો દેખાતી નથી.’