કોરોનાની નવી લહેરની શક્યતાથી ડરેલા મુંબઈગરાઓમાં વૅક્સિનેશને ફરી ઝડપ પકડી : ૧૭ ડિસેમ્બર સુધી દરરોજ જ્યાં ૧૦૦ લોકો રસી મુકાવતા હતા એની સામે છેલ્લા પાંચ દિવસમાં એમાં પાંચથી પંદર ગણો વધારો થયો
કોરોના ટેસ્ટિંગની તસવીર
કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરમાં આખા દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં આવ્યા હતા અને મુંબઈમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. મુંબઈમાં ૯૨ લાખ લોકોએ કોવિડ વૅક્સિનનો પહેલો અને બીજો ડોઝ લઈ લીધો છે, પરંતુ કોરોના વાઇરસના નવા સ્ટ્રેન બીએફડૉટ૭ સામે રક્ષણ મેળવવા માટે બૂસ્ટર એટલે કે ત્રીજો ડોઝ લેવાની સાથે ગિરદીવાળી જગ્યાએ માસ્ક પહેરવો હિતાવહ હોવાનું તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ કહ્યું છે. આમ છતાં, નવાઈ અને ચોંકાવનારી વાત એ છે કે મુંબઈમાં અત્યાર સુધી માત્ર ૧૬ ટકા લોકોએ જ કોરોના વૅક્સિનનો ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ લીધો છે. જોકે છેલ્લા પાંચ દિવસમાં મુંબઈમાં વૅક્સિનેશને ઝડપ પકડી હોવાનું જણાઈ આવ્યું છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયા સુધી જ્યાં આખા મુંબઈમાં ૧૦૦ જેટલા લોકો વૅક્સિન લેતા હતા એની સામે અત્યારે પાંચથી પંદર ગણો વધારો થયો છે.
ચીન અને જપાન સહિતના દેશોમાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ માથું ઊંચકીને હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં આ નવા સ્ટ્રેનને લીધે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા બાદ અને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાના કેસમાં મોટો વધારો થઈ શકે છે. એક અઠવાડિયા જેટલા સમયથી કોરોનાના આ સમાચાર દુનિયાભરમાંથી આવી રહ્યા છે એટલે લોકોમાં થોડો ડર જોવા મળી રહ્યો છે અને જેમનું વૅક્સિનેશન નથી થયું તેઓ કોવિડની રસી લેવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રની કુલ ૧૧ કરોડની વસ્તીમાંથી ૯ કરોડ લોકોએ કોવિડની વૅક્સિનનો પહેલો અને ૭ કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે, જ્યારે માત્ર ૯૪ લાખ લોકોએ જ બૂસ્ટર એટલે કે પ્રિકૉશન ડોઝ અત્યાર સુધી લીધો છે. બૂસ્ટર ડોઝ ન લીધો હોય તેમને કોરોનાના નવા સ્ટ્રેનથી જોખમ થઈ શકે છે. મુંબઈની વાત કરીએ તો અહીંના ૯૨ લાખ લોકોએ કોરોના વૅક્સિનના પહેલા અને બીજા ડોઝ લીધા છે, પણ માત્ર ૧૬ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આથી મુંબઈમાં કોરોનાનું જોખમ ઊભું થઈ શકે છે. આ વાત હવે મુંબઈગરાઓને સમજાઈ રહી છે એટલે તેઓ વૅક્સિનેશન કરાવી રહ્યા છે.
બીએમસીની માહિતી મુજબ જ્યાં ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં એટલે કે ૧૭ ડિસેમ્બરે આખા મુંબઈમાં માત્ર ૧૧૨ લોકોએ કોવિડ વૅક્સિનના બૂસ્ટર ડોઝ લીધા હતા. આની સામે છેલ્લા પાંચ દિવસમાં દરરોજ ૧૦૦૦થી વધુ લોકો વૅક્સિન લઈ રહ્યા છે. મોટા ભાગના લોકોના પહેલા અને બીજા ડોઝ કોવિશીલ્ડના થયા છે. આ લોકો બૂસ્ટર ડોઝ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યારે મુંબઈમાં કોવિશીલ્ડ અને કોર્બેવૅક્સનો સ્ટૉક નથી અને કોવૅક્સિનના પણ માત્ર ૬૦૦૦ ડોઝ જ ઉપલબ્ધ છે.
બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે માહિતી આપી હતી કે મુંબઈને વહેલી તકે ત્રણેય વૅક્સિન મળે એ માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ૧૦ લાખ ડોઝની માગણી કેન્દ્ર સરકારને કરી છે. આથી ત્રણેય વૅક્સિન ઉપલબ્ધ થયા બાદ કોઈ મુશ્કેલી નહીં રહે. જ્યાં સુધી વૅક્સિન ઉપલબ્ધ નથી ત્યાં સુધી લોકોએ ગિરદીવાળી જગ્યાએ માસ્ક પહેરવો જોઈએ જેથી સંક્રમણ ન થાય.
વૅક્સિનેશને ઝડપ પકડી
દિવસ ડોઝ
૧૭ ડિસેમ્બર ૧૧૨
૧૮ ડિસેમ્બરે ૨૧૦
૧૯ ડિસેમ્બર ૩૧૬
૨૦ ડિસેમ્બર ૭૧૮
૨૧ ડિસેમ્બર ૯૨૧
૨૨ ડિસેમ્બર ૧૨૭૨
૨૩ ડિસેમ્બર ૧૫૧૮
૨૪ ડિસેમ્બર ૧૭૩૪