શરમ કરો શરમ...કોરોના વૉરિયર્સ સાથે આવો વર્તાવ
પત્ની અને બાળકો સાથે કૉન્સ્ટેબલ પ્રવીણ વાઘમારે.
મુંબઈ પોલીસમાં ફરજ બજાવતા પ્રવીણ વાઘમારે તેમનાં પત્ની અને બે બાળકો સાથે મરોલ પોલીસ કૅમ્પમાં રહે છે. તેઓ મૂળ સતારાના છે. મુંબઈમાં કોરોનાના કેસ વધતાં તેમણે નિર્ણય કર્યો કે પત્ની અને બે બાળકોને સાતારા ગામમાં મોકલી દેવામાં આવે, પણ ગામના રહેવાસીઓએ પોલીસના આ પરિવારને રહેવા જ ન દીધો.
મુંબઈમાં પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ વાઘમારેની અત્યારે ડ્યુટી મુંબઈની સરકારી હૉસ્પિટલમાં ડેડ-બૉડી ડિસ્પોઝલની તમામ વિગતો રાખવાની છે. તેઓ દરરોજ કેઈએમ અને નાયર હૉસ્પિટલમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા દરદીઓની ડેડ-બૉડી ડિસ્પોઝલ માટેની તમામ કાર્યવાહી જુએ છે. મુંબઈમાં કોરોનાના કેસ વધતા જતાં વાઘમારેએ નિર્ણય કર્યો કે પત્ની સ્નેહલ અને બે બાળકો વીરેન અને શ્રવણીને તેમના સાતારાના વિલાસપુર ગામમાં થોડા દિવસ માટે મૂકી આવશે. પ્રવીણ વાઘમારેએ કહ્યું કે ‘૨૦ મેએ હું પત્ની અને બાળકો સાથે મારા ગામ ગયો હતો. ઘરે જતાં પહેલાં અમે સરકારી દવાખાનામાં કોવિડ-19ની ટેસ્ટ કરાવી હતી. જ્યારે અમે ફ્લૅટમાં પ્રવેશ્યા ત્યારે સેક્રેટરીએ અમને અંદર દાખલ થવાની ના પાડી દીધી અને કોરોનાનો રિપોર્ટ કઢાવવાનું કહ્યું, જે અમે પહેલાં પણ કઢાવી ચૂક્યા હતા. એ દિવસે હું મારી પત્ની અને બાળકોને મૂકીને મુંબઈ પાછો આવ્યો. બીજા દિવસે પત્નીનો ફોન આવ્યો કે મુંબઈથી આવ્યા હોવાથી પાડોશીઓ અમને હેરાન કરી રહ્યા છે. ૨૩ મેએ હું પાછો સાતારા ગયો ત્યારે ગામના સરપંચે અને લોકોએ અમને ત્યાં રહેવાની ના પાડી દીધી. તેઓ કહી રહ્યા હતા કે મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધુ છે. હું પોલીસ-ડિપાર્ટમેન્ટમાં છું એથી ઇન્ફેક્ટેડ હોઈ શકું છું. એટલે તેઓ નથી ઇચ્છતા કે અમે અહીં રહીએ. હું મારા પરિવારને પાછો મુંબઈ લઈ આવ્યો.’
ADVERTISEMENT
કૉન્સ્ટેબલ વાઘમારેએ વધુમાં જણાવ્યું કે ‘બીજા દિવસે હું કેઈએમ અને નાયર હૉસ્પિટલમાં ફરી બે મૃતકોની ડેડ-બૉડી ડિસ્પોઝેબલ કરાવવા ગયો હતો. રાતે ૧૧ વાગ્યે ઘરે પાછો આવ્યો. હું મારા પરિવારને વાઇરસથી દૂર રાખવા માગું છું, પણ મારી ડ્યુટી પણ મારે માટે જરૂરી છે.’
પત્નીનો ફોન આવ્યો કે મુંબઈથી આવ્યા હોવાથી પાડોશીઓ અમને હેરાન કરી રહ્યા છે. ૨૩ મેએ હું પાછો સાતારા ગયો ત્યારે ગામના સરપંચે અને લોકોએ અમને ત્યાં રહેવાની ના પાડી દીધી.
- કૉન્સ્ટેબલ પ્રવીણ વાઘમારે

