મુંબઈ: સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે સેન્ટ્રલ રેલવેનાં સ્ટિકર્સ નકામાં
મંગળવારે ટ્રેનની તમામ સીટ પર માર્કિંગ લગાવાયાં હતાં
કોરોના પ્રોટોકૉલના અમલના ભાગરૂપે મંગળવારે સેન્ટ્રલ રેલવેની તમામ લોકલ ટ્રેનોની સીટ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ માર્કર્સ લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ મુસાફરોએ જણાવ્યું હતું કે આ સ્વૈચ્છિક પ્રયાસ હોવો જોઈએ.
આ માર્કિંગ જાગૃતિ અભિયાનનો ભાગ છે એથી મુસાફરોએ પરસ્પર સલામત અંતર જાળવવાનું છે એ હકીકત સતત ધ્યાનમાં રહે, એ ઉપરાંત સ્ટેશનો પર કોરોના જાગૃતિનાં પોસ્ટર્સ પણ લગાવાયાં છે એમ સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું.
ADVERTISEMENT
જોકે મુસાફરોએ આ મામલે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને ભીડમાં ચોથી સીટ પણ ભરાઈ જતી હોવાનું જણાવ્યું હતું.
પ્રવાસી અમરનાથ સાઠેએ જણાવ્યું હતું કે ‘ટ્રેનમાં ભીડને જોતાં આ શક્ય નથી. આપણે આપણી પબ્લિકને જાણીએ છીએ. લોકો આવાં સ્ટિકર્સ ફાડી નાખશે. ઑફિસ-ટાઇમિંગ્ઝ સ્થળ અને નિકટતાના આધારે હોવાં જોઈએ જેનાથી મુસાફરીની સમસ્યા ઉકેલાશે.’
અન્ય પ્રવાસી શ્વેતા કેવીએ જણાવ્યું હતું કે ‘આજે મેં મુસાફરી કરી ત્યારે એક સીટ પર બેની જગ્યાએ ત્રણ વ્યક્તિને બેઠેલી જોઈ હતી. લોકોએ સ્વૈચ્છિક રીતે અંતર જાળવવું જોઈએ.’
ટ્રેનમાં ખાલી સીટ મળવી સદ્ભાગ્ય ગણાય છે અને લોકપ્રિય ચોથી સીટનો તો લોકો હજી પણ ઉપયોગ કરે છે. લોકો માસ્ક પહેરે છે, એકમેકથી દૂર રહે છે, પણ ખાલી સીટની વાત આવે ત્યારે કોઈ સમાધાન કરવા તૈયાર નથી એમ અન્ય પ્રવાસી શંકરસન દળવીએ જણાવ્યું હતું.
જરૂરી સેવાઓ માટેની સ્પેશ્યલ લોકલ ટ્રેનો મર્યાદિત સંખ્યાના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. તેઓ ક્યુઆર બેઝ્ડ ઈ-પાસનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકે છે. લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરવાનો કોઈ પણ નિર્ણય મહારાષ્ટ્ર સરકારની લીલી ઝંડી બાદ જ લેવાશે.

