મુંબઈ : ઘણા સિનિયર સિટિઝનોને છે રસી કરતાં ઘરગથ્થુ ઇલાજ પર ભરોસો
હરિભાઈ પોબારી (ઠક્કર) સહિત તેમનો આઠ જણનો પરિવાર.
મુંબઈમાં ગઈ કાલથી સિનિયર સિટિઝનોને કોરોનાની વૅક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ઘણા સિનિયર સિટિઝનો વૅક્સિન લેવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા, જ્યારે અનેક સિનિયર સિટિઝનોને કો-મોર્બિડિટી હોવા છતાં વૅક્સિન લેવાના મૂડમાં જોવા મળી રહ્યા નથી. વૅક્સિનની સાઇડ-ઇફ્કેટ થવાની શંકાથી એ લેવી કે નહીં એની અવઢવમાં તેઓ દેખાઈ રહ્યા છે.
વૅક્સિન લેવાને બદલે ઘરગથ્થુ ઇલાજ કરીને કોરોનાથી અમારો બચાવ કરીશું એમ જણાવીને કો-મોર્બિડિટી હોવા છતાં એ ન લેવાનો નિર્ણય કરી ચૂકેલા મીરા રોડના શાંતિ પાર્કમાં સ્કાયલાઇન-૨ બિલ્ડિંગમાં રહેતા અને ડાયાબિટીઝ ધરાવતા સંજય બથિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારે કોરોનાની વૅક્સિનનું રિક્સ લેવું નથી. મને ડાયાબિટીઝ છે અને માર્ચ મહિનામાં કોરોનાએ ફુલ પાવરથી અટૅક કર્યો હોવા છતાં હજી હેમખેમ છું. ત્યારથી સતત ઘરમાં બનાવેલા કાઢાનું અને સુદર્શન ઘનવટીનું હું અને મારો પરિવાર સેવન કરીએ છીએ. વૅક્સિનની આડઅસરનું રિક્સ લેવા કરતાં પહેલાંની જેમ અમે કાઢા અને ઘરગથ્થુ ઇલાજ કરવામાં વધુ રસ ધરાવીએ છીએ. ઘરનો કાઢા અને સુદર્શન ઘનવટી લઈને તથા ખોરાકમાં ધ્યાન રાખીને રેઝિસ્ટન્ટ પાવર સ્ટ્રૉન્ગ બનાવીને અમે કોરોનાને લડત આપીશું. આ ઉપરાંત અમે માસ્ક પહેરવો, સૅનિટાઇઝેશન કરવું વગેરેનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ.’
ADVERTISEMENT
તેમની જેમ જ મીરા રોડના પૂનમ સાગરમાં રહેતા ૭૧ વર્ષના હરિભાઈ પોબારી (ઠક્કર) સહિત તેમનો આઠ જણનો પરિવાર સરકાર વૅક્સિન લેવાનું ફરિજયાત કરશે તો પણ લેવાનો નથી. ગૌમૂત્ર અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરીને આ ઠક્કર પરિવારે કોરોના સામેની લડત ચાલુ રાખવાનું વિચારી લીધું છે.
હરિભાઈના દીકરા ઘનશ્યામ ઠક્કરે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૩ વર્ષ પહેલાં મારા પપ્પાને ચોથા સ્ટેજનું ગળાનું કૅન્સર થયું હતું. ડૉક્ટરોએ ઑપરેશન દરમ્યાન તેમનો જીવ જઈ શકે છે એવું કહ્યું હતું. ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે પપ્પા છ મહિનાના મહેમાન છે, પરંતુ તેમના બૉસે તેમને ગૌમૂત્ર પીવાની વાત કરી હતી. એ દિવસથી લઈને અત્યાર સુધી તેઓ દિવસના ત્રણ વખત ગૌમૂત્ર પી રહ્યા છે. ભગવાનની દયાથી તેમને જોઈને કોઈ કહી નહીં શકે કે તેમને કૅન્સર હતું. અમે જૉઇન્ટ પરિવારમાં રહીએ છીએ એથી ઘરમાં આઠ જણમાંથી કોઈને કંઈ પણ તકલીફ આવે તો ડૉક્ટર પાસે રૅર જઈએ છાએ, પણ ગૌમૂત્રનું સેવન કરીને ઓકે થઈ જઈએ છીએ. દર ૧૫ દિવસે અમે ફ્રેશ ગૌમૂત્ર લેવા ભાઇંદરના ઉત્તનમાં આવેલી કેશવસૃષ્ટિ જઈએ છીએ. કોરોનાકાળમાં પહેલેથી અમે બધા ગૌમૂત્ર જ પી રહ્યા છીએ એથી વાઇરસ સાથે લડી રહ્યા છીએ. અમને કોરોનાની વૅક્સિનમાં વિશ્વાસ નથી, પણ ફક્ત ગૌમૂત્ર પર જ ભરોસો છે. મમ્મી-પપ્પાની ઉંમર થઈ હોવાથી વૅક્સિનની કોઈ આડઅસર તેમના પર થાય એવું અમે ઇચ્છતા નથી.’
ગૌમૂત્ર અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરીને અમે કોરોના સામેની લડત ચાલુ રાખવાનું વિચારી લીધું છે. કોરોનાકાળમાં પહેલેથી અમે બધા ગૌમૂત્ર પી રહ્યા છીએ એથી વાઇરસ સાથે લડી રહ્યા છીએ. અમને કોરોનાની વૅક્સિનમાં વિશ્વાસ નથી, ગૌમૂત્ર પર જ ભરોસો છે.
- ઘનશ્યામ પોબારી (ઠક્કર)
મારે કોરોનાની વૅક્સિનનું રિસ્ક લેવું નથી. મને ડાયાબિટીઝ છે અને માર્ચ મહિનામાં કોરોનાએ ફુલ પાવરથી અટૅક કર્યો હોવા છતાં હજી હેમખેમ છું. વૅક્સિનની આડઅસરનું રિસ્ક લેવા કરતાં અમે કાઢા અને ઘરગથ્થુ ઇલાજ કરવામાં વધુ રસ ધરાવીએ છીએ.
- સંજય બથિયા

