મુંબઈ : જમ્બો સેન્ટરમાં સંસાધનો બચાવવા માટે કર્મચારીઓમાં કાપ મુકાયો
મહાલક્ષ્મી રેસકોર્સમાં જમ્બો કોવિડ સેન્ટર. તસવીર : આશિષ રાજે
ગયા અઠવાડિયે ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન અને બીકેસીના કોવિડ સેન્ટર સહિત શહેરના તમામ જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં લગભગ ૧૦૦૦ જેટલા કેસ નોંધાતાં નાણાં તેમ જ અન્ય સંસાધનોને બચાવવા માટે કર્મચારીઓની સંખ્યામાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. જોકે આવતા વર્ષે આવી રહેલી કોવિડ-19ના સંક્રમણની બીજી લહેર માટે આ કર્મચારીઓને સ્ટેન્ડ-બાય પર રાખવામાં આવી રહ્યા છે.
બીકેસી કોવિડ સુવિધાના ડીન ડૉક્ટર રાજેશ દેરેએ કહ્યું હતું કે હાલમાં કોવિડ સેન્ટરમાં લગભગ ૩૫-૪૦ ટકા બૅડ ખાલી હોવાથી ૨૦-૨૫ ટકા કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
પેશન્ટની પાંખી સંખ્યા અને ખાલી બૅડને ધ્યાનમાં રાખતાં બીએમસીનાં નાણાં અને સંસાધનોને બચાવવા લગભગ ૭૦ જેટલા વૉર્ડ-બોયને છૂટા કરવામાં આવ્યા છે. જોકે કેસમાં વધારો નોંધાય તો તેમને ફરી કામ પર બોલાવાશે એમ તેઓએ જણાવ્યું હતું.
ગોરેગામના નેસ્કો સેન્ટરમાં લગભગ ૬૦ ડૉક્ટરોના કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરાયા નથી. ડૉક્ટર નિલમ એન્ડ્રાદેએ જણાવ્યું હતું કે ૨૦૦૦ પેશન્ટની ક્ષમતા ધરાવતા સેન્ટરમાં માત્ર ૨૫૦ જેટલા પેશન્ટ છે. એક સમયે દિવસના ૮૯૪ જેટલા પેશન્ટ તપાસવામાં આવતા હતા. જોકે હવે કોવિડના કેસની સંખ્યા ઘટી છે તેમ જ ટ્રીટમેન્ટના પ્રોટોકોલ માટે અનેક પેશન્ટને ઘરે જ સારવાર આપવામાં આવે છે.
ડૉક્ટર એન્ડ્રાદેએ કહ્યું હતું કે ૬૦ ડૉક્ટરોને કામ પરથી દૂર કરાયા છે, જોકે સારા ડૉક્ટરોને વેઇટલિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત હાલમાં ૨૫ નર્સોને કામ પરથી છૂટી કરવામાં આવી છે તથા બાકીની ૨૫ નર્સોને તેમનો કૉન્ટ્રૅક્ટ પૂરો થયા બાદ જવા દેવામાં આવશે. રોજના ૧૫૦ પેશન્ટ દાખલ થતા હતા ત્યારે એક વૉર્ડમાં ૬૯ અને આઇસીયુમાં ૫૭ ડૉક્ટરો હતા.
સેવનહિલ્સ હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં પેશન્ટનો ધસારો હોવાથી અહીં ડૉક્ટરોને છૂટા કરાયા નથી. જોકે પેશન્ટની સંખ્યા અને ડૉક્ટરો પરનો વર્કલોડ ઓછો રહેતાં નવા ડૉક્ટર્સ ભરતી કરાયા નથી.
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોના મતે કોવિડ-19ના સંક્રમણની બીજી લહેર જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમ્યાન જોવા મળશે જે ગ્રામીણ વિસ્તારોને વધુ પ્રભાવિત કરશે.

