જૂના એપિસોડ જોવા નહીં પડે એને માટેની કવાયત શરૂ
પ્રતીકાત્મક તસવીર
દિવસે-દિવસે મુંબઈમાં વધી રહેલા કોવિડના કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ આજે નવી ગાઇડલાઇન જાહેર કરવાની છે, જેમાં સૌથી પહેલી નજર ટીવી-સિરિયલના શૂટિંગ પર છે. છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના સિરિયલના સેટ પર ગવર્નમેન્ટ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે તો ગાઇડલાઇન પર્ફેક્ટલી ફૉલો થાય એને માટે પગલાં પણ લીધાં છે, છતાં જો કોવિડ કન્ટ્રોલમાં નહીં આવે તો આ શૂટિંગ અટકાવવામાં આવે એવી પૂરતી શક્યતા છે. જો એવું થાય તો નવેસરથી જૂના એપિસોડ ઑનઍર કરવા પડે અને એવું ન કરવું પડે એને માટે ચૅનલોએ પણ પ્રોડક્શન-હાઉસને તાકીદ કરી છે કે વહેલામાં વહેલી તકે નવા એપિસોડની બૅન્ક બનાવી લેવામાં આવે એ પ્રકારની છૂટછાટ પણ ચૅનલ દ્વારા આપવામાં આવી છે.
ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં બે અસોસિએશન પાસેથી તમામ પ્રકારની વિગતો મગાવી લીધી હતી અને આડકતરી રીતે તાકીદ કરવામાં આવી હતી કે કોવિડ કાબૂમાં નહીં આવે તો શૂટિંગ બંધ કરાવવામાં આવી શકે છે. આ તાકીદ પછી તમામ સેટ પર નવેસરથી તાકીદનાં પગલાં લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું તો આ ચીવટ સાથે શૂટિંગમાં ઝડપ પણ ઉમેરી દેવામાં આવી જેથી ટીવી પર જૂના એપિસોડ દેખાડવાનો વારો ન આવે.
ADVERTISEMENT
જો મુંબઈમાં સિરિયલનું શૂટિંગ અટકાવવામાં આવે તો શું કરવું એને માટે પણ પ્રોડક્શન-હાઉસ વિચારવામાં લાગી ગયું છે, જેમાં પહેલો વિચાર તો મોટા ભાગનાં પ્રોડક્શન-હાઉસનો એ છે કે મુંબઈમાં શૂટિંગ બંધ કરવામાં આવે તો સિરિયલની વાર્તામાં નાનોઅમસ્તો ટ્વિસ્ટ આપીને તરત જ રાજસ્થાન, ગોવા કે ગુજરાત જઈને નાના યુનિટ સાથે શૂટિંગ શરૂ કરી દેવું અને નવા એપિસોડ જનરેટ કરતા રહેવું. જોકે એને માટે જે-તે સ્ટેટની પરમિશન મળે એ પણ મહત્ત્વનું છે.
CINTAના શૉર્ટ ફૉર્મથી જાણીતી થયેલી સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મનોજ જોષીએ કહ્યું કે, ‘તમામ પ્રકારની ગાઇડલાઇન પાળવી અત્યંત આવશ્યક છે. આશા રાખીએ કે એવો કોઈ નિર્ણય લેવામાં ન આવે, પણ ધારો કે એવું બને તો પણ મહામારી સામે ઝઝૂમવા માટે અમે ગવર્નમેન્ટને તમામ પ્રકારનો સહયોગ કરવા પણ તૈયાર છીએ.’

