કોરોનાની દિવાળી
બીએમસીના કર્મચારીઓ મરીન ડ્રાઇવ પર માસ્ક ન પહેરનારાઓને દંડ ફટકારી રહ્યા છે. તસવીર : આશિષ રાજે
પરપ્રાંતીય કામદારો શહેર ભણી પાછા વળ્યા હોવાથી શહેરમાં કોવિડ-19ની બીજી લહેર આવવાની શક્યતા વધી રહી છે ત્યાં ૮૦ ટકા કરતાં વધુ કેસ હાઇરાઇઝ બિલ્ડિંગ્સમાંથી નોંધાય છે. કોવિડ-19ના પૉઝિટિવ પેશન્ટ્સની શોધખોળ દરમ્યાન જાણવા મળ્યું કે મોટા ભાગના કેસ લોકોનાં ઘરોમાં જામતા મેળાવડાને કારણે નોંધાયા છે.
મહામારીના શરૂઆતના દિવસોમાં ઝૂંપડપટ્ટીઓ કોવિડ-હૉટસ્પૉટ તરીકે ઊભરી હતી અને એને માટે કૉર્પોરેશને કન્ટેનમેન્ટ ઝોન નિર્માણ કર્યા હતા જેની હેઠળ ૫૦૦ જેટલી મોટી ઝૂંપડપટ્ટીઓને સીલ કરવામાં આવી હતી. જૂન મહિનામાં વાઇરસ બિલ્ડિંગ્સ તરફ વળ્યો હતો અને મોટા ભાગના કેસ બિલ્ડિંગ્સ ધરાવતા વિસ્તારમાંથી આવ્યા હતા.
ADVERTISEMENT
બીએમસીએ દુકાનદારો, ફેરિયાઓ, કન્ડક્ટર્સ તેમ જ બહારથી આવતા મુસાફરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમ જ પોતાના વતનથી મુંબઈ પાછા ફરી રહેલા પરપ્રાંતીયોને ધ્યાનમાં રાખીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારી દીધું હતું.
ટેસ્ટનું પ્રમાણ ૫૦૦૦થી વધારીને ૧૫૦૦૦ કરાયું. દિવાળીના દિવસોમાં રોજના સરેરાશ ૫૦૦ કેસ નોંધાવા લાગ્યા હતા, જેમાંના મોટા ભાગના કેસ બહુમાળી ઇમારતોમાંથી નોંધાયા હોવાનું ડી-વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું.
એલ-વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મનીષ વાળુંજે કહ્યું હતું કે બહારગામથી આવતા પૅસેન્જરોનું ટેસ્ટિંગ કરાતાં ૩૦૦-૪૦૦ ટેસ્ટ પછી માંડ ૧-૨ કેસ સામે આવતા હતા, પરંતુ વધુ કેસ બહુમાળી ઇમારતોમાંથી મળતા હતા. કૉન્ટૅક્ટ ટ્રેસિંગથી મળતા પૉઝિટિવ પેશન્ટ પાસેથી જાણવા મળ્યા મુજબ તેમને પરપ્રાંતીયોને કારણે નહીં, પરંતુ અન્યના ઘરે જવામાં કે ઘરે મહેમાન આવવાથી ચેપ લાગ્યો હતો. આવા સમયે માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું જ શ્રેષ્ઠ ઉપાય રહેશે. એમ જણાય છે કે ઝૂંપડપટ્ટીઓમાંના લોકોમાં ઍન્ટિબૉડી વિકસિત થઈ ગયું છે. તેઓ પ્રારંભિક લક્ષણો ન જણાય ત્યાં સુધી ક્વૉરન્ટીન પિરિયડને લીધે પરીક્ષણ કરાવવાથી ડરે છે.
પૉઝિટિવ પેશન્ટ્સના કૉન્ટૅક્ટ ટ્રેસિંગ લિસ્ટ ચકાસીને તેમને પૂછતાં તેમણે એવું કહ્યું કે દિવાલી ગેધરિંગ હતું, પોતાના ઘરે કે અન્ય કોઈકના ઘરે. સ્થળાંતરીઓ પાછા ફરી રહ્યા છે એટલે નહીં, પણ ગેધરિંગને લીધે કેસ વધી રહ્યા છે.
- બીએમસીના અધિકારી

