ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ વધ્યા, મરણાંક ઘટ્યો
દાદર આવતા પ્રવાસીના તાપમાન અને ઑક્સિજન-લેવલની ચકાસણી કરતા હેલ્થ-વર્કર્સ (તસવીર: આશિષ રાજે)
કોરોના-ઇન્ફેક્શનના કેસના મહિનાના સરેરાશ આંકડામાં જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૧૩૭નો વધારો નોંધાયો હતો. જાન્યુઆરીના ૩૧ દિવસમાં રોજનો સરેરાશ ૫૧૬ અને ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસમાં રોજનો સરેરાશ ૬૫૩નો આંકડો નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં કોરોનાના દરદીઓનાં મૃત્યુનો રોજિંદી સરેરાશનો આંકડો ૪ (રોગચાળાના દિવસોમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો) નોંધાયો હતો. જોકે ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ડિસેમ્બરથી ઘટીને ૪ ટકાથી નીચે ઊતરી ગયો છે.
વર્ષના આરંભમાં રોજિંદા કેસનો આંકડો નીચે ઊતરીને ૫૦૦ની આસપાસ અને ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૩.૬ ટકાએ પહોંચતાં તમામ સ્તરે રાહત અનુભવાતી હતી, પરંતુ ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું પૂરું થાય એ પહેલાં પ્રવાહ પલટાયો હતો. લોકલ ટ્રેનોમાં સૌને પ્રવેશના સિલસિલાનો આરંભ કર્યા પછી ૯ દિવસમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. કેસમાં વધારાનું કારણ હજી અસ્પષ્ટ છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકા માસ્ક પહેર્યા વગર જાહેર સ્થળોએ ફરતા લોકો અને લગ્નો તથા જાહેર મેળાવડાઓની સામે સખતાઈથી કાર્યવાહી હાથ ધરે છે.
ADVERTISEMENT
નવેમ્બરમાં રોજના કેસની સરેરાશ ૮૫૯ અને ડિસેમ્બરમાં ૬૫૦ બાદ જાન્યુઆરીની રોજિંદી સરેરાશ ૫૧૬ કેસની હતી. ફેબ્રુઆરીની ૬૫૩ની સરેરાશ ઉપરાંત નોંધપાત્ર બાબત એવી હતી કે એ મહિનાના ત્રણ દિવસોએ ૧૦૦૦થી વધારે કેસ નોંધાયા હતા. મહિનાનો મરણાંક સપ્ટેમ્બરમાં ૧૪૪૪થી ઑક્ટોબરમાં ૧૬૦૬ પર પહોંચતાં રોજિંદા મૃત્યુદરની સરેરાશ ૫૦નો આંકડો પાર કરી ગઈ હતી. મરણાંક ડિસેમ્બરમાં ૩૦૬, જાન્યુઆરીમાં ૨૩૪ અને ફેબ્રુઆરીના ૨૬ દિવસોમાં ૧૦૬ નોંધાયો હતો.

