ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તાએ વિડિયો બહાર પાડીને ખુલ્લેઆમ મહા વિકાસ આઘાડીને સમર્થન આપ્યું: મહારાષ્ટ્રની સરકારને જ નહીં, દિલ્હીની સરકાર પાડવાનું નિશાન હોવાની પણ શેખી કરી
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા સજ્જાદ નોમાની, આશિષ શેલારે સજ્જાદ નોમાનીનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને મેલી મુરાદ જનતા સમક્ષ મૂકી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ચાર જ દિવસ બાકી છે ત્યારે મહા વિકાસ આઘાડીના શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી અને નાના પટોલેને સમર્થન આપવાની સાથે મહારાષ્ટ્ર બાદ નિશાન દિલ્હીની સરકારને પાડવાનું છે એમ કહેતા ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા સજ્જાદ નોમાનીના વિડિયો સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વાંધો લઈને શૅર કરતાં ફરી એક વખત વોટ-જેહાદનો વિવાદ ઊભો થયો છે. BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે સજ્જાદ નોમાનીનો વિડિયો સોશ્યલ મીડિયામાં ગઈ કાલે પોસ્ટ કર્યો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં સજ્જાદ નોમાની બોલે છે, ‘મહારાષ્ટ્રમાં આ લોકોનો પરાજય થયા બાદ દિલ્હીની સરકાર પણ બહુ સમય ટકશે નહીં. અમારું નિશાન ફક્ત મહારાષ્ટ્ર સરકાર નહીં, દિલ્હી પણ છે.’
આશિષ શેલારે આ વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ સજ્જાદ નોમાનીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘સજ્જાદ નોમાનીના વિડિયોથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીમાં વોટ-જેહાદ કરવામાં આવશે. આથી હિન્દુઓએ એક હૈં તો સેફ હૈં યાદ રાખવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે સજ્જાદ નોમાનીએ થોડા સમય પહેલાં મુંબઈમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના ૨૬૯ ઉમેદવાર ઉપરાંત વંચિત બહુજન આઘાડી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM, સમાજવાદી પાર્ટી, બહુજન વિકાસ આઘાડી અને અપક્ષોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રેસ-કૉન્ફરન્સ બાદ સજ્જાદ નોમાનીએ સોશ્યલ મીડિયામાં આ સંબંધે વિડિયો શૅર કર્યો હતો. સજ્જાદ નોમાનીએ થોડા સમય પહેલાં મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી કરીને આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલની પણ બે વખત મુલાકાત કરી હતી.