મગથાણે ખાતે મેટ્રો સ્ટેશન (Magathane Metro Rail Station) નજીક માટી ધસી પડવાની ઘટનામાં ખાનગી કોન્ટ્રાક્ટર, સાઇટ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે
ફાઇલ તસવીર
મગથાણે ખાતે મેટ્રો સ્ટેશન (Magathane Metro Rail Station) નજીક માટી ધસી પડવાની ઘટનામાં ખાનગી કોન્ટ્રાક્ટર, સાઇટ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ ગુરુવારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, મુંબઈ પોલીસે (Mumbai Police) ઉપનગરીય બોરીવલીમાં મગાથાણે ખાતે મેટ્રો રેલ સ્ટેશન નજીક આ અઠવાડિયાની શરૂઆતમાં માટી ધસી પડવાની ઘટનાના સંબંધમાં એક કોન્ટ્રાક્ટર અને એક ખાનગી બાંધકામ પ્રોજેક્ટના સાઈટ એન્જિનિયરની ધરપકડ કરી છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓ દ્વારા કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. શહેરમાં ભારે વરસાદને પગલે આ સપ્તાહની શરૂઆતમાં મેટ્રો લાઇન-7 પર મગાથાણે સ્ટેશનની બાજુમાં ખોદકામની જગ્યા પર માટી ધસી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખોદકામનું કામ ખાનગી બીલ્ડર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મેટ્રો સ્ટેશનના દહિસર તરફના એક્ઝિટ ગેટની બાજુમાં માટી ધસી પડવાના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને કારણે લોકોમાં અંધેરી પૂર્વ અને દહિસર પૂર્વ વચ્ચેની મેટ્રો રેલ કામગીરીની સલામતી પર પ્રશ્નો ઊભા થયા હતા.
એમએમઆરડીએની ફરિયાદના આધારે, પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 336 (ઉશ્કેરણીજનક અને બેદરકારીભર્યું કામ જે માનવ જીવનને જોખમમાં મૂકે છે) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ નોંધવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું.
અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ખાનગી કોન્ટ્રાક્ટર અને સાઇટ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.”
ફરિયાદ મુજબ, કોન્ટ્રાક્ટર અને સાઇટ એન્જિનિયરે પાઇલિંગના કામ દરમિયાન સાવચેતીના પગલાં લીધા ન હતા, એમ તેમણે જણાવ્યું હતું. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL), MMRDA અને મુંબઈ મહાનગર પાલિકાએ બુધવારે એક નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં તેમણે નોંધ્યું હતું કે એન્ટ્રી/એક્ઝિટ નજીક સ્ટોર્મ વોટર ડ્રેઇન ચેમ્બરની બાજુમાં બીલ્ડર દ્વારા કરવામાં આવેલા ઊંડા ખોદકામને કારણે મગાથાણે સ્ટેશનની આસપાસની માટી ધસી આવી હતી અને ચેમ્બરની દિવાલને નુકસાન થયું હતું.
એમએમએમઓસીએલએ બુધવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ ઘટનાથી મેટ્રો સેવાઓની સામાન્ય કામગીરીને અસર થઈ નથી. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, મેટ્રો લાઇન-7 પરના મગાથાણે સ્ટેશનના દહિસર બાજુના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે.
એમએમઆરડીએના કમિશનર ડૉ. સંજય મુખર્જીએ, જેઓ એમએમએમઓસીએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે, તેમણે જણાવ્યું હતું કે ત્રણ એજન્સીઓના સંયુક્ત નિરીક્ષણ બાદન તેઓ નિષ્કર્ષ પર આવ્યા છે કે મેટ્રો સેવાઓના સંચાલનમાં કોઈ જોખમ નથી.