એટલે જ આખા જિલ્લામાં વાળ ઊતરી જવાની સમસ્યા, કેટલાક લોકો આઠ દિવસથી નાહ્યા નથી
બુલઢાણા જિલ્લાનાં મોટા ભાગનાં ગામોમાં પાણી દૂષિત હોવાનું રિપોર્ટમાં જણાઈ આવ્યું છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાવ તાલુકાનાં પહેલાં ત્રણ અને બાદમાં ૧૧ ગામમાં દૂષિત પાણીને લીધે લોકોના માથામાંથી અચાનક વાળ ઊતરવા લાગતાં ટાલ પડવાની સમસ્યા જોવા મળી રહી છે. આ ગામના રહેવાસીઓને પહેલાં માથામાં ખંજવાળ આવે છે, ખંજવાળતી વખતે હાથમાં વાળનો ગુચ્છો આવી જાય છે અને ત્રીજા દિવસે તો તમામ વાળ ઊતરી રહ્યા હોવાથી ગામવાસીઓ ગભરાઈ ગયા છે. આ સમસ્યા જાણવા માટે બુલઢાણા જિલ્લાના પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે; જેમાં આર્સેનિક, લેડ અને નાઇટ્રેટનું સામાન્ય કરતાં વધુ પ્રમાણ જોવા મળ્યું છે આથી આખા જિલ્લામાં વાળ ઊતરવાનું જોખમ ઊભું થયું હોવાનું જણાઈ આવ્યું છે.
બુલઢાણા જિલ્લાના શેગાવ તાલુકાનાં ૧૧ ગામમાં માથાના વાળ ઊતરવાની દહેશત ઊભી થયા બાદ વાળ ઊતરી જવાના ડરથી કેટલાક ગામવાસીઓએ તો આઠ દિવસથી સ્નાન નથી કર્યું. પાણીના નમૂના ખામગાવ ખાતેની લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. એના રિપોર્ટમાં જણાયું છે કે પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ લીટરદીઠ ૧૦ મિલિગ્રામની અંદર હોવું જોઈએ એની સામે રિપોર્ટમાં ૫૪ મિલિગ્રામ એટલે કે પાંચગણું નાઇટ્રેટ જોવા મળ્યું છે. પાણીનું ટોટલ ડિસૉલ્વડ સૉલિડ્સ (TDS) ૩૦થી ૩૫ હોવું જોઈએ એની સામે ૨૧૦૦ TDS નોંધાયું છે, જે પાણી ખૂબ દૂષિત હોવાનું જણાવે છે. બુલઢાણા જિલ્લાનાં મોટા ભાગનાં ગામોમાં પાણી દૂષિત હોવાનું રિપોર્ટમાં જણાઈ આવ્યું છે.