શૂટરને સુપારી આપનારા બે શિવસૈનિકોને તાબામાં લેવામાં આવ્યા
અંબરનાથના શિંદેસેનાના વિધાનસભ્ય બાલાજી કિણીકર.
થાણે જિલ્લામાં આવેલા અંબરનાથના એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય ડૉ. બાલાજી કિણીકરની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બે શિવસૈનિકોને તાબામાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું. લાતુરમાં એક લગ્નસમારંભમાં પોતાની હત્યા કરવાની સુપારી આપવામાં આવી હોવાની માહિતી ખુદ વિધાનસભ્ય બાલાજી કિણીકરે પોલીસને આપી હતી. વિધાનસભ્યે આ સંબંધે થાણેના પોલીસ-કમિશનરની ઑફિસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ શિવસેનાના ભાગલા થયા બાદ અંબરનાથમાં પક્ષના સ્થાનિક નેતાઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. બાલાજી કિણીકર અંબરનાથમાંથી સતત ચોથી વખત ચૂંટાઈ આવ્યા છે એ ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક લોકોને ખૂંચી રહ્યું હોવાથી તેઓ પોતાનો કાંટો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું વિધાનસભ્ય બાલાજી કિણીકરે ફરિયાદમાં જણાવ્યું છે. આ ફરિયાદને પગલે પોલીસે બે શિવસૈનિકોને તાબામાં લીધા છે અને તેમની પાસેથી મળેલી માહિતીના આધારે બીજા બે શિવસૈનિકોને પોલીસ-સ્ટેશનમાં હાજર થવાના સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.