Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને કર્ણાટકને સોંપી દો

મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને કર્ણાટકને સોંપી દો

Published : 20 December, 2024 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકની અથની બેઠકના વિધાનસભ્ય લક્ષ્મણ સવદીએ વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કહ્યું કે જો મહારાષ્ટ્રને બેલગામ જોઈતું હોય તો એના બદલામાં અમારા પૂર્વજોએ જેના પર રાજ કર્યું હતું એ મુંબઈ કર્ણાટકને આપો

આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે


આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા પર આવેલા બેલગામને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માગણી કર્યા બાદ હવે કર્ણાટકના કૉન્ગ્રેસના વિધાનસભ્યએ તો મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને સપનાંની આ નગરીને કર્ણાટકને સોંપી દેવાની વિવાદાસ્પદ ડિમાન્ડ કરી છે.


કર્ણાટકની અથની બેઠકના કૉન્ગ્રેસના વિધાનસભ્ય લક્ષ્મણ સવદીએ વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના એક નેતાએ બેલગામ સહિતના બૉર્ડરના વિસ્તારોને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવાનું કહ્યું હતું. ત્યારે જ મેં મીડિયાને સ્પષ્ટપણે કહી દીધું હતું કે મહારાષ્ટ્રના આ નેતાની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જો કર્ણાટકના અવિભાજ્ય અંગ એવા બેલગામને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવું હોય તો મુંબઈને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરો. અમારા પૂર્વજો મુંબઈમાં વસતા હતા. એ હિસાબે અમારો પણ મુંબઈ પર અધિકાર છે. પહેલાં બેલગામ સહિત છ જિલ્લા મુંબઈ પ્રાંતનો ભાગ હોવાથી અમારા કર્ણાટકના લોકો મુંબઈ જતા હતા. જો મહારાષ્ટ્રને બેલગામ જોઈતું હોય તો એના બદલામાં અમારા પૂર્વજોએ જેના પર રાજ કર્યું હતું એ મુંબઈ કર્ણાટકને આપો. પહેલાં મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને એ બાબતનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવો જોઈએ.’



થોડા સમય પહેલાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને બેલગામમાં મહાઅધિવેશનની કર્ણાટક સરકારે પરવાનગી નહોતી આપી અને બેલગામમાં સંચારબંધી લાગુ કરી દીધી હતી. મહારાષ્ટ્રના લોકો પર કરવામાં આવેલા આ અન્યાયનો વિરોધ કરીને આદિત્ય ઠાકરેએ એ સમયે બેલગામ સહિતના સીમા પરનાં ગામોને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માગણી કરી હતી.


આ ડિમાન્ડ વિશે આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
કૉન્ગ્રેસના વિધાનસભ્યના વિવાદિત બયાન બાદ આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણીનો અમે વિરોધ કરીએ છીએ. કૉન્ગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી (BJP), કોઈ પણ પક્ષ હશે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની ભાષા શિવસેના કોઈ પણ કિંમતે ચલાવી નહીં લે. મુંબઈ અમારી માતૃભૂમિ છે. અહીંનો પ્રત્યેક કણ મરાઠી માણસે પોતાનું લોહી રેડીને મેળવ્યો છે. મુંબઈ અમને કોઈએ દહેજમાં નથી આપ્યું. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાએ પોતાના વિધાનસભ્યને સમજાવવા જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2024 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK