કોંગ્રેસ સાંસદ ડૉ. પ્રશાંત પડોલેના વાયરલ વીડિયોમાં તેઓ ભંડારાના પૂર વચ્ચે કારના બોનેટ પર બેસીને સ્ટંટ કરતા બતાવે છે, તેમની અસંવેદનશીલતા માટે ટીકાઓ થઈ રહી છે.
પૂરમાં ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહેલી કારના બોનેટ પર બેસેલા કૉન્ગ્રેસના સંસદસભ્ય ડૉ. પ્રશાંત પડોળે.
મહારાષ્ટ્રના ભંડારામાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદને લીધે પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે કૉન્ગ્રેસના સ્થાનિક સંસદસભ્ય ડૉ. પ્રશાંત પડોળે કારના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે. આ સ્ટન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે કૉન્ગ્રેસ અને તેમના નેતાઓની સંવેદનશીલતા ખતમ થઈ ગઈ છે કે શું? લોકો મુશ્કેલીમાં છે ત્યારે નેતાને સ્ટન્ટ કરવાનું સૂઝે છે? ભંડારામાં ડૉ. પ્રશાંત પડોળે કૉન્ગ્રેસના સંસદસભ્ય છે. પોતાના વિસ્તારમાં વરસાદને લીધે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાની જાણ થતાં સંસદસભ્ય બુધવારે બપોરે તેમની કારમાં પૂરની સ્થિતિ જાણવા માટે નીકળ્યા હતા. સામાન્ય રીતે નેતાઓ લોકોને મળીને તેમની હાલત જાણતા હોય છે, પણ કૉન્ગ્રેસના આ સંસદસભ્ય કારની બહાર નીકળ્યા બાદ બોનેટ પર બેસી ગયા હતા અને ડ્રાઇવરને કાર ચલાવવાનું કહ્યું હતું. આથી કાર રસ્તામાં ભરાયેલા પાણી વચ્ચેની પસાર થઈ હતી. આ સ્ટન્ટબાજીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.