કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
રેસ્ટોરાં, ચાની ટપરી, સ્ટ્રીટ-ફૂડના સ્ટૉલ્સ અને ખૂમચાવાળા ગૅસનું જે સિલિન્ડર વાપરે છે એના ભાવ ગઈ કાલથી વધી ગયા છે. ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ પહેલી સપ્ટેમ્બરથી ૧૯ કિલોના કમર્શિયલ લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરના ભાવ આખા દેશમાં વધારી દીધા છે. ગઈ કાલથી ૧૯ કિલોના આ સિલિન્ડરમાં કંપનીઓ દ્વારા ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરમાં વપરાતા ૧૪ કિલોના સિલિન્ડર પર કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કંપનીઓ દ્વારા આ પહેલાં કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં ૧૯ રૂપિયા, જૂન મહિનામાં ૬૯.૫૦ રૂપિયા અને જુલાઈ મહિનામાં ૩૦ રૂપિયા ઓછા કરવામાં આવ્યા હતા.
૩૯ રૂપિયાના વધારા સાથે મુંબઈમાં ૧૯ કિલોના કમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૬૪૪ રૂપિયા થયો છે. ઑઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ દર મહિનાની પહેલી તારીખે ઘરમાં વપરાતા કુકિંગ ગૅસના ભાવમાં ઍડ્જસ્ટમેન્ટ કરે છે.
ADVERTISEMENT
કંપનીઓ દ્વારા શા માટે ભાવવધારો કરવામાં આવ્યો એનું કોઈ ચોક્કસ કારણ જણાવાયું નથી. સામાન્યપણે ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવમાં થતી વધઘટ, ટૅક્સેશન પૉલિસીમાં થતા ફેરફાર અને ડિમાન્ડ-સપ્લાયનું સંતુલન જાળવીને ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.
પ્લેનના ફ્યુઅલનો ભાવ ઘટ્યો
કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સામા પક્ષે પ્લેનમાં વપરાતા જેટ ફ્યુઅલ અથવા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં દર કિલોલીટર જેટ ફ્યુઅલ માટે ૯૭,૯૭૫.૭૨ રૂપિયા ચૂકવવા પડતા હતા એને બદલે હવે ૯૩,૪૮૦.૨૨ રૂપિયા ચૂકવવા પડશે.

