ચૂંટણીપંચની સૂચનાને પગલે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જગ્યાએ નિયુક્ત હોય એવા અધિકારીઓની બદલી થઈ
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારી જોવા માટે રાજ્યની ત્રણ દિવસની મુલાકાત કરી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર પોલીસમાં ત્રણ વર્ષથી વધુ સમય એક જગ્યાએ ડ્યુટી કરી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક બદલી કરવાની સૂચના મુંબઈ પોલીસને ચૂંટણીપંચે આપી હતી. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નવરાત્રિ બાદ ગમે ત્યારે થવાની શક્યતા છે ત્યારે મુંબઈ પોલીસે ગઈ કાલે ૧૧૧ પોલીસ-ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બદલી કરવામાં આવેલા અધિકારીઓમાં ૧૧ ઇન્સ્પેક્ટર મુંબઈના છે જેમને મુંબઈની બહાર નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે પણ ચૂંટણીપંચે રાજ્ય સરકારને પોલીસ-અધિકારીઓની બદલી કરવાના નિર્દેશ આપ્યા હતા. જોકે એ સમયે રાજ્ય સરકારે એનું પાલન નહોતું કર્યું. આથી કેન્દ્રીય મુખ્ય ચૂંટણી-અધિકારી રાજીવ કુમારે નારાજગી વ્યક્ત કરીને રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. આથી રાજ્ય સરકારે આ સામૂહિક બદલી કરી હોવાનું જાણવા મળ્યું હતું.