મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર રાજ્યને ગોવા અને ગુજરાત રાજ્ય સાથે જોડવા માટે મહારાષ્ટ્રમાં બાંધવામાં આવી રહેલા કોસ્ટલ રોડને લંબાવવાની વાત રજૂ કરી હતી.
એકનાથ શિંદે (ફાઈલ તસવીર)
28 ઓગસ્ટના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે 26મી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) પોતે હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ બેઠકમાં પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યને ગોવા અને ગુજરાત રાજ્ય સાથે જોડવા માટે મહારાષ્ટ્રમાં બાંધવામાં આવી રહેલા કોસ્ટલ રોડને લંબાવવાની જરૂરિયાત છે.”
આ સાથે જ એકનાથ શિંદેએ કહ્યું કે, “આ ત્રણેય રાજ્યોમાં પર્યટનના વિકાસ માટે રાયગઢમાં રેવાસ, રત્નાગિરિમાં રેડ્ડી, ગોવા અને ગુજરાતને જોડતો કોસ્ટલ રોડ બનાવવો જોઈએ.” વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા ત્રણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈયાર કરવામાં આવેલ કોસ્ટલ રોડનું વિસ્તરણ ત્રણ દરિયાકાંઠાના રાજ્યોમાં પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ આપશે. કોસ્ટલ રોડને કારણે આ રાજ્યોમાં દરિયાકાંઠાની સુરક્ષા જાળવવામાં પણ ફાયદો થશે. 498 કિલોમીટરના કોસ્ટલ રોડના નિર્માણ માટે કુલ ₹9,500 કરોડનો ખર્ચ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ સાથે જ એકનાથ શિંદેએ મધ્ય મહારાષ્ટ્રમાં જે પાણીની અછતની સમસ્યા છે તે મુદ્દે પણ વાત કરી હતી. આ સમસ્યાને હળવી કરવા માટે નદીઓ વચ્ચે જોડાણ કરવા પર ભાર મૂક્યો હતો. કોયના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાંથી પાણી મરાઠવાડા તરફ વાળવા માટે નાણાંકીય સહાય માટે પણ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. સાથે જ તેઓએ મરાઠવાડા ગ્રીડ પ્રોજેક્ટને આગળ વધારવા માટે કેન્દ્રીય સહાયની પણ માગ કરી હતી.
સાથે જ ડુંગળી પર 40% એક્સપોર્ટ ડ્યુટી લાગવાને કારણે તેમણે રાજ્યમાં વધુ ડુંગળી ખરીદ કેન્દ્રોની પણ માગ કરી હતી. આ મહત્વની બેઠકમાં એકનાથ શિંદેની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસકો પણ હાજર રહ્યા હતા.
CMએ બેઠકમાં એ પણ વાત રજૂ કરી હતી કે રાજ્યમાં 2,444 ગ્રામ પંચાયતો ભારતનેટ દ્વારા જોડાઈ છે અને 12,513 ગ્રામ પંચાયતોએ ઘર સુધી ફાઈબર કનેક્શન માટે BSNL સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે માહિતી આપી હતી કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં વધુ 34 સ્કીમ ઉમેરવામાં આવી રહી છે.
રાજ્યમાં મહિલાઓ સામેના અપરાધ વિશે શિંદેએ જણાવ્યું હતું કે, "અમે જાતીય સતામણી સહિત મહિલાઓ સામેના અત્યાચારોને (Crime News) ખૂબ જ ગંભીરતાથી લીધા છે અને તે મુદ્દે તપાસ ઝડપી કરવામાં આવી છે. તપાસ ટ્રેકિંગ સિસ્ટમના દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથે જ અમે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની ઝડપી સુનાવણી માટે 138 વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરી છે."