મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં અજય આશર અને ડૉ. રાજેશ ક્ષીરસાગર ઉપાધ્યક્ષ તરીકે રાજ્યના ઝડપી વિકાસ માટે કામ કરશે
ફાઇલ તસવીર
કેન્દ્રની જેમ રાજ્યમાં પણ ઝડપી વિકાસ માટે ખાનગી અને બિનસરકારી સંસ્થાનો સહયોગ મેળવવા માટે મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મેશન (મિત્ર)ની સ્થાપના રાજ્ય સરકારે કરી છે. મિત્રના ચૅરમૅન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કો-ચૅરમૅન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છે. હવે રાજ્ય સરકારે મિત્રના ઉપાધ્યક્ષ તરીકે બાંધકામ, સામાજિક, નાગરી અને તબીબી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા અજય આશર અને ડૉ. રાજેશ ક્ષીરસાગરની નિયુક્તિ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતના અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ નિમિત્તે રાજ્યોને પણ ડેવલપ કરવાની સૂચના કેન્દ્ર સરકારે આપી છે. આ માટે ૨૦૨૭ સુધીમાં મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા એક ટ્રિલ્યન ડૉલર અને ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલ્યન ડૉલર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ભારતની આર્થિક રાજધાની હોવાથી આ રાજ્યનું દેશમાં વિશેષ મહત્ત્વ છે. આથી કેન્દ્ર સરકારની નીતિ આયોગની જેમ મહારાષ્ટ્રમાં મિત્રની સ્થાપના કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નીતિ આયોગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં કેન્દ્ર સરકાના નીતિ આયોગની જેમ મહારાષ્ટ્રમાં પણ આવી વ્યવસ્થા ઊભી કરવા પર વિચારણા કરવામાં આવી હતી. બાદમાં રાજ્યની કૅબિનેટ બેઠકમાં મિત્રને મંજૂરી આપવામાં આવી હતી.