મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ શહેરને અહિલ્યાદેવી હોળકરનગર નામ આપવાની કરી જાહેરાત
ફાઇલ તસવીર
ઔરંગાબાદનું છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું ધારાશિવ નામકરણ કરાયા બાદ રાજ્ય સરકારે હવે અહમદનગરનું નામ અહિલ્યાદેવી હોળકરનગર કરવાનો નિર્ણય લીધો છે. મરાઠા સામ્રાજ્યના વંશજ અને માહેશ્વરનાં મહારાણી અહિલ્યાદેવી હોળકરનો અહમદનગરમાં જન્મ થયો હતો અને તેમની ગઈ કાલને ૨૯૮મી જન્મજયંતી નિમિત્તે ચૌંડી ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અહમદનગરનું નામ બદલીને અહિલ્યાદેવી હોળકર નગરકરવાની જાહેરાત કરી હતી.
મહારાણી અહિલ્યાદેવી હોળકરની જન્મજયંતી નિમિત્તે ચૌંડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અહમદનગરનું નામ બદલીને અહિલ્યાદેવી હોળકર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી અહીં હાજર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તરત જ અહમદનગરનું નામ અહિલ્યાદેવી હોળકરનગર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અહિલ્યાદેવીની પિયરની અટક શિંદે હતી અને હું પણ શિંદે છું. આજે અહીં રામભાઉ શિંદે અને ગોપીચંદ પડળકરે પણ અહમદનગરનું નામ બદલવાની માગણી કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અને મારી પણ આવી ઇચ્છા છે. આથી અહમદનગર જિલ્લાનું નામ અહિલ્યાદેવી હોળકરનગર કરવાનો હું નિર્ણય લઉં છું.’
ADVERTISEMENT
રાજ્યમાં એકનાથ શિંદેની આગેવાનીમાં બીજેપી સાથેની યુતિની સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ માત્ર ૧૧ મહિનામાં ત્રીજા શહેરનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. મુસ્લિમ શાસકોનાં નામ હિન્દુઓનાં કરવા પાછળ અત્યારની સરકાર હિન્દુઓના મત અંકે કરવાનું ગણિત ધરાવતી હોવાનું કહેવાય છે.
સાવિત્રીબાઈ ફુલેના અપમાનજક આર્ટિકલ બદલ વિરોધ-પ્રદર્શન સમાજસુધારક સાવિત્રીબાઈ ફુલેની બે વેબસાઇટમાં અપમાનજક આર્ટિકલ પોસ્ટ કરવાના મામલામાં ગઈ કાલે એનસીપીના નેતાઓએ મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને સંબંધિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એનસીપીના વિરોધ બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોલીસ અધિકારીઓને વેબસાઇટની કન્ટેન્ટ તપાસીને સંબંધિતો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મહાનુભાવો બાબતે વાંધાજનક લખાણ લખનારોને બક્ષવામાં નહીં આવે.
મહિલાઓને શિક્ષિત કરવાની પહેલ કરનારાં સમાજસુધારક સાવિત્રીબાઈ ફુલે બાબતે વેબસાઇટમાં વાંધાજનક પોસ્ટ લખવાની જાણ થયા બાદ એનસીપીના નેતાઓએ શરદ પવાર, જયંત પાટીલ અને છગન ભુજબળની સહી કરેલો પત્ર મુંબઈના પોલીસ કમિશનરને સોંપીને સંબંધિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.