દેવેન્દ્ર ફડણવીસે સરકાર આગામી પાંચ વર્ષમાં કઈ દિશામાં કામ કરવા માગે છે એની રૂપરેખા જણાવી
ગઈ કાલે નાગપુરમાં BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે સાથે મીડિયાને સંબોધન કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.
નાગપુરમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકાર આગામી પાંચ વર્ષમાં કઈ દિશામાં કામ કરવા માગે છે એની રૂપરેખા પત્રકારો સમક્ષ મૂકી હતી, જેમાં સૌથી મહત્ત્વની હતી આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યના તમામ લોકોને સોલર એનર્જીવાળું ઘર આપવાની. આ બાબતે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘જે લોકોને આ ઘર આપવામાં આવશે તેમને ફ્રી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવશે. સરકારે પાવર સેક્ટર માટે પચીસ વર્ષની જે યોજના બનાવી છે એને અમલમાં મૂકવામાં આવશે જેને લીધે આગામી બે વર્ષમાં તમામ પ્રકારના ગ્રાહકોના લાઇટ-બિલમાં ઘટાડો થશે. અમારું શાસન પારદર્શક હશે. મહારાષ્ટ્રને કેન્દ્ર સરકારે આ વર્ષે ઍડિશનલ ૧૩ લાખ ઘર અલૉટ કર્યાં છે જેને લીધે અમે કુલ ૨૦ લાખ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક વર્ષમાં આપી શકીશું. અત્યારે અમારી પાસે ૨૬ લાખ લોકોએ આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી ૨૦ લાખ લોકોને આ વર્ષે જ ઘર મળી રહેશે.’
આ સિવાય દેવેન્દ્ર ફડણવીસે બીજા મહત્ત્વના મુદ્દાઓ પર કરેલી વાત અહીં પ્રસ્તુત છે.
ADVERTISEMENT
ગડચિરોલી બનશે દેશની બીજી સ્ટીલ સિટી
રાજ્યનો ગડચિરોલી જિલ્લો દેશની બીજી સ્ટીલ સિટી બનશે. ગઈ કાલે બે નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું. અત્યાર સુધી ગડચિરોલીની જે જગ્યાએ આપણે પહોંચી નથી શક્યા ત્યાં પણ હવે સરકાર પહોંચી ગઈ છે. અમે ગડચિરોલીનો નાક-નકશો બદલી નાખીશું. વિદર્ભમાં ઇન્વેસ્ટમેન્ટની તકો છે અને મને વિશ્વાસ છે કે વિદર્ભમાં ઇન્ડસ્ટ્રિયલ ઇકો-સિસ્ટમ ડેવલપ થશે.
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના
અમે કરેલા વાયદા મુજબ મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાના ડિસેમ્બરના હપ્તા બહેનોના ખાતામાં જમા થવાના શરૂ થઈ ગયા છે. જુલાઈમાં આ યોજના શરૂ થઈ હતી અને અમે જુલાઈથી નવેમ્બરના ૭૫૦૦ રૂપિયા (૧૫૦૦ રૂપિયા દર મહિને) ૨.૩૪ કરોડ લાભાર્થી બહેનોના ખાતામાં પહેલાં જ જમા કરાવી દીધા હતા. આમ છતાં વિરોધ પક્ષે આ યોજનાની નિંદા કરીને એને સરકાર તરફથી બતાવવામાં આવેલું ગાજર ગણાવ્યું હતું. અત્યાર સુધી મેં ઘણી ચૅલેન્જનો સામનો કર્યો છે, પણ મેં સત્તાને ક્યારેય મારા મગજમાં ઘૂસવા નથી દીધી. સત્તા મારા માટે લોકોની સેવા કરવાનું માધ્યમ છે. હું ક્યારેય મારા મગજમાં સત્તાનો નશો ઘૂસવા નહીં દઉં.
૨૦૧૪માં મુખ્ય પ્રધાન બનવા વિશે
૨૦૧૪માં હું જ્યારે મુખ્ય પ્રધાન બન્યો ત્યારે ઘણા લોકોને શંકા હતી, કારણ કે હું ક્યારેય મંત્રી પણ નહોતો બન્યો. એને લીધે બધાને એવું લાગતું હતું કે મુખ્ય પ્રધાન તરીકે હું કઈ રીતે કામ કરી શકીશ? પશ્ચિમ મહારાષ્ટ્રના લોકોને એવું લાગવા લાગ્યું હતું કે જે માણસ સતત વિદર્ભની વાતો કર્યા કરે છે તે તેમને જરૂર અન્યાય કરશે, પણ મેં રાજ્યના એક પણ જિલ્લાને અન્યાય થવા નહોતો દીધો.
સાઇબર ક્રાઇમ વિશે
ટેક્નૉલૉજીની મદદથી જાતિ-ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા અને લોકોની છેતરપિંડી કરવાના વધી રહેલા કિસ્સાઓની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાઇબર અવેરનેસ ક્રીએટ કરી રહી છે. સાઇબર સિક્યૉરિટી વધારવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ડિજિટલ અને સાઇબર પ્લૅટફૉર્મ્સને ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યા હોવાથી આપણી પાસે બેસ્ટ ટેક્નૉલૉજી છે જેની મદદથી આપણે નહીં જેવા સમયમાં સાઇબર ક્રાઇમ ઉજાગર કરી શકીશું.
સોશ્યલ મીડિયાના દુરુપયોગ વિશે
કોઈ પણ મેસેજની સત્યતા તપાસ્યા વગર વૉટ્સઍપ પર ફૉર્વર્ડ કરી દેનારા સામે સરકાર સખત કાર્યવાહી કરવાની છે. હું બે હાથ જોડીને કહેવા માગું છું કે જે ક્રાઇમ કરે છે એ તો ક્રિમિનલ છે જ, પણ એ ક્રાઇમના મેસેજ ફૉર્વર્ડ કરનારા પણ કાયદાની ભાષામાં તેમના સાથી બની જતા હોય છે. આવી વસ્તુ ફૉર્વર્ડ ન કરવી જોઈએ. જ્યાં સુધી લોકોમાં આના પ્રત્યે જાગૃતિ નહીં ફેલાય ત્યાં સુધી આ ચૅલેન્જ રહેશે.
પાલક પ્રધાનપદ વિશે
રાજ્યના દરેક જિલ્લાના પાલક પ્રધાનપદને કોઈ રસીખેંચ નથી. અમારી પાર્ટીના રાજ્યના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે આ બાબતે શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાઓ સાથે વાત કરીને નિર્ણય લેશે. આમ તો મુખ્ય પ્રધાન પાસે કોઈ જિલ્લાનું પાલક પ્રધાનપદ નથી હોતું, પણ મારી ઇચ્છા ગડચિરોલી જિલ્લાના પાલક પ્રધાન બનવાની છે, જો તમામ નેતાઓની મંજૂરી હોય તો.