નવી મુંબઈ પોલીસે શરૂ કરેલા નશામુક્ત નવી મુંબઈ અભિયાનના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને રાજ્યને ડ્રગ્સ-ફ્રી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો
ગઈ કાલે ‘નશામુક્ત નવી મુંબઈ’ અભિયાનના કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈક અને ઍક્ટર જૉન એબ્રાહમ.
દેવેન્દ્ર ફડણવીસે પોતાના કૉલેજના દિવસોને યાદ કરીને કહ્યું કે મારી સાથે નશો કરવાની વાત કરવાની પણ કોઈની હિંમત નહોતીઃ વધી રહેલા ડ્રગ્સ-કલ્ચર વિશે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી
નવી મુંબઈ પોલીસે શરૂ કરેલા ‘નશામુક્ત નવી મુંબઈ’ અભિયાનની શરૂઆત ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે નવી મુંબઈ પોલીસનો આ કૅમ્પેન શરૂ કરવા બદલ આભાર માન્યો હતો. ત્યાર બાદ તેમણે કૅનેડાનું ઉદાહરણ આપ્યું હતું જે ડ્રગ્સની સામેની લડાઈ હારી ગયું છે, પણ મુખ્ય પ્રધાનનું માનવું છે કે આપણે મહારાષ્ટ્રમાં આ જંગ જરૂર જીતીશું.
ADVERTISEMENT
આ પ્રસંગે ભાષણ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ગૃહ ખાતાની પહેલી બેઠકમાં જ અધિકારીઓએ મને ડ્રગ્સની ખિલાફ મોટી લડાઈ લડવાની હોવાનું કહ્યું હતું. જે લોકો આપણા દેશ પર સીધો હુમલો નથી કરી શકતા તેમણે દેશના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને આપણા દેશ પર આડકતરો હુમલો શરૂ કર્યો છે. દેશમાં ડ્રગ્સનો સારોએવો ફેલાવો થયો હોવાનું જોવા મળે છે, પણ આપણે ભારતને નશામુક્ત કરવાનું છે.’
આજકાલ ડ્રગ્સનું સેવન કરવાને કૂલ માનવામાં આવે છે, પણ એવું જરાય નથી એ યંગસ્ટર્સે સમજવું પડશે. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસે પોતાના કૉલેજના દિવસોને યાદ કરીને કહ્યું હતું કે ‘મને કૉલેજમાં ક્યારેય નશાની લત લાગી નહોતી. કૉલેજમાં તો કોઈની હિંમત પણ નહોતી થઈ મને નશો કરવા વિશે વાત કરવાની. જે પ્રવાહ હોય એનાથી વિરુદ્ધ દિશામાં જવા માટે માનસિક તાકાતની જરૂર પડે છે. જો ઇચ્છાશક્તિ હોય તો ડ્રગ્સથી દૂર રહેવું શક્ય છે.’
ડ્રગ્સની ખિલાફ કોઈ પણ જગ્યાએ અભિયાન શરૂ થાય તો એમાં જોડાવાની જૉન એબ્રાહમે તૈયારી બતાવી હોવાથી મુખ્ય પ્રધાને તેનો આભાર માન્યો હતો. છેલ્લા થોડા સમયમાં નવી-નવી જગ્યાએ ડ્રગ્સની માર્કેટ ઊભી થઈ રહી હોવાથી દેવેન્દ્ર ફડણવીસે એના વિશે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે આ આપણી નજરમાં ન આવનારી વ્યવસ્થા છે. કાર્યક્રમના અંતમાં તેમણે કહ્યું હતું કે ડ્રગ્સના વ્યસનની વિરુદ્ધ લડવું એ જ સાચી દેશભક્તિ છે.