મૃતદેહને ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-ઈસ્ટની ગોકુલદાસ હેમરાજ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતો વિકી કનોજિયા તેની પિતરાઈ બહેન સાથે સ્કૂલમાં જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવેલા ડમ્પરે તેને કચડી નાખ્યો હતો. આ ઘટનાને કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. લોકોએ ડમ્પર છોડીને નાસવા માંડેલા ડ્રાઇવરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
ટીનેજરના ઍક્સિડન્ટમાં થયેલા કરુણ મોતની વિગતો આપતાં બોરીવલી-ઈસ્ટના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેશ નંદીમઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના કસ્તુરબા માર્ગ ક્રૉસ રોડ-નંબર ૩ ઉપર ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે બની હતી. વિકી અને બારમા ધોરણમાં ભણતી તેની પિતરાઈ બહેન ચાલીને સ્કૂલમાં જઈ રહ્યાં હતાં. તેઓ કસ્તુરબા રોડ-નંબર ત્રણ પર જ રહે છે. એ વખતે ૩૭ વર્ષના ડ્રાઇવર વૈજનાથ ઉત્તનવારે તેનું ડમ્પર પૂરઝડપે ચલાવીને વિકીને કચડી નાખ્યો હતો. ડમ્પરની લેફ્ટ સાઇડમાંથી પાછળના પૈડા હેઠળ વિકી કચડાઈ ગયો હતો. એમ છતાં ડ્રાઇવરે તેનું ડમ્પર રોક્યું નહોતું. જોકે લોકોએ બૂમાબૂમ કરવા માંડતાં તેણે થોડે આગળ જઈને ડમ્પર રોક્યું હતું અને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. વિકીને પહેલાં શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડૉક્ટરોએ તેને મૃત ડિક્લેર કરતાં તેના મૃતદેહને ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ડ્રાઇવર વૈજનાથને ઝડપીને અમે સૌથી પહેલાં તેની મેડિકલ ટેસ્ટ કરાવી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તેણે દારૂ પીધો હોય એવું જણાતું નથી. એમ છતાં અમે તેનાં બ્લડ-સૅમ્પલ કલેક્ટ કરીને ફૉરેન્સિક લૅબમાં મોકલ્યાં છે. તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.’