રોડ પર કલાકો સુધી ટ્રાફિક જૅમ થયો, સહેલાણીઓની હાલત કફોડી થઈ ગઈ
પ્રતીકાત્મક તસવીર
સ્કૂલ-કૉલેજોમાં ગઈ કાલથી નાતાલની રજાઓ પડતાં અનેક સહેલાણીઓ તેમના પરિવાર સાથે રજાની મજા માણવા ગોવા જવા નીકળી પડ્યા હતા. વહેલી સવારના ૬ વાગ્યાથી જ ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર, નાની-મોટી બસોમાં પણ મોટી સંખ્યામાં ગોવા જવા સહેલાણીઓ નીકળ્યા હતા. જોકે ગોવા જતા નૅશનલ હાઇવે-નંબર ૬૬ પર કોલાડ પાસે રોડને ફોર લેન કરવામાં આવી રહ્યો છે અને દિવાળી પછી એનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે એથી ડાઇવર્ઝન કરી બાયપાસથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવતાં ભયંકર ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને કલાકો સુધી લોકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.
મુંબઈ-ગોવા રોડ પર પુઇ-મહિસદરા નદી પર પરના પુલથી લઈને કોલાડ નાકા સુધી રસ્તા પર એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી બન્ને તરફનો વાહનવ્યવહાર સિંગલ લેન પરથી જ થાય છે. ઓછામાં વધારે એ રોડ પણ ખરાબ હોવાથી એના પરથી વાહનો લઈ જવામાં પણ મોટરિસ્ટોની પરીક્ષા થઈ જાય છે.