શાળા દરમિયાન જ ધાર્મિકે લેખનની શરૂઆત કરી હતી.
ધાર્મિક પરમાર
ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો અને બાળવાર્તાઓનું મહત્ત્વ ઉમદા રહ્યું છે. આજે પંડિત નહેરુની જન્મજયંતી નિમિત્તે દેશ બાળદિન (Children’s Day) ઊજવી રહ્યો છે. તેવામાં મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં ભણતો એક યુવાન એવો છે જે ગુજરાતી ભાષામાં બાળકાવ્યો અને બાળવાર્તાઓનું સર્જન કરી રહ્યો છે.
આ વાત છે ધાર્મિક પરમારની જે હાલ વાણિજ્ય પ્રવાહના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. આ સાથે ધાર્મિક બાળ સાહિત્યનું પણ સર્જન કરે છે. ધાર્મિક જ્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે અનેક અદ્ભુત બાળકાવ્યો લખ્યા હતા અને બાદમાં તેનો ૬૦ કાવ્યો સાથે બાળકાવ્ય સંગ્રહ ‘બિલ્લી થઈ ગઈ મોર્ડન’ પણ બહાર પાડ્યો હતો. તેમાં તેણે ‘એકડાને આવ્યો તાવ’, ‘બિલ્લી થઈ ગઈ મોર્ડન’, ‘ઉંદરભાઈનો વધ્યો પગાર’, ‘ભાર વગરનું ભણતર’ અને ‘મમ્મી મારે વાદળ બની આકાશે લહેરાવું છે’ જેવા સુંદર બાળકાવ્યો લખ્યા છે.
ADVERTISEMENT
અંધેરીમાં રહેતા આ યુવકે પોતાનો દસમા ધોરણ સુધીનો અભ્યાસ વિલેપાર્લે સ્થિત ગુજરાતી શાળા એમ.એમ.એમ. ગર્લ્સ હાઇસ્કૂલથી કર્યો હતો. શાળા દરમિયાન જ ધાર્મિકે લેખનની શરૂઆત કરી હતી. આ બાબતે વાત કરતાં ધાર્મિકએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “હું જ્યારે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે જન્મભૂમિ દૈનિક પત્રો દ્વારા આયોજિત એક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો વિષય હતો ‘સ્વાતંત્ર દિવસની ઉજવણી હું કઈ રીતે કરીશ?’ આ સ્પર્ધામાં મને પારિતોષિક મળ્યું હતું અને ત્યારથી લેખનકાર્યમાં રસ વધ્યો હતો.”
ધાર્મિકએ ઉમેર્યું કે “મને બાળકાવ્યો લખવા અને વાંચવા ખૂબ ગમે છે. તે ઉપરાંત હું સોનેટ કાવ્ય, ગઝલ અને છંદ પણ લખવાનો પ્રયાસ કરું છું.” લોકડાઉનના સમયને યાદ કરતાં ધાર્મિકએ કે કહ્યું “મને લોકડાઉન ફળ્યું છે. તે સમયમાં હું ઓનલાઇન ઈ-પુસ્તકોની મદદથી કાવ્યના પ્રકાર વિશે ઘણું શીખ્યો છું.”
ઉલ્લેખનીય છે કે ધાર્મિકના બાળકાવ્યો ઓનલાઇન મેગેઝિન્સથી લઈને દિવ્ય ભાસ્કરની બાળભાસ્કર, બાલસેતુ, ટમટમ કિડ્સ, કચ્છમિત્રની બાળમિત્ર કોલમમાં પણ છપાઈ ચૂકયા છે. વિવિધ સ્પર્ધાઓમાં તેને તેના સર્જન માટે અનેક પુરસ્કાર પણ મળ્યા છે. આમ દધાર્મિક એક યુવા સાહિત્યકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
ધાર્મિકનું એક બાળકાવ્ય અમે અહીં મૂક્યું છે.
બિલ્લી માસી ફેશન કરવા,
`બ્યુટિપાર્લર`માં જાય છે.
ક્રીમ લગાડી, મેકપ લગાડી,
`મ્યાઉં.... મ્યાઉં` ગાય છે.
મેકપ કરીને બિલ્લી માસી,
હરખે ઘરે આવ્યા.
ચહેરો કર્યો`તો ધોળો-ધોળો,
ના કોઈને ઓળખાયા.
ઉંદરભાઈનું વિચાર કરતાં,
માથુ ચડ્યું ચકરાવે.
આ બિલ્લી છે કે પુતળું છે.
કંઈ સમજ ના આવે.
ઉંદરભાઈ તો તપાસ કરવા,
બિલ્લી પાસે આવ્યા.
તક જોઈને બિલ્લીબેને,
ઉંદરભાઈને પકડ્યા.
ઉંદરભાઈ તો રડીને કહેતાં,
``મારી થઈ ગઈ ભૂલ``
ને બિલ્લી બોલી,`` બ્યૂટિપાર્લરનાં-
પૈસા થયા વસૂલ``

