Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવાજી મહારાજના સ્મારકને લઈને શિવરાયાના ૧૩મા વંશજ છત્રપતિ સંભાજી રાજે થયા જબરદસ્ત આક્રમક

શિવાજી મહારાજના સ્મારકને લઈને શિવરાયાના ૧૩મા વંશજ છત્રપતિ સંભાજી રાજે થયા જબરદસ્ત આક્રમક

Published : 07 October, 2024 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટૅચ્યુ બની શકે તો અત્યાર સુધીમાં શિવાજી મહારાજનું સ્મારક પણ બની જવું જોઈતું હતું

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી દરિયામાં જઈને નિરીક્ષણ કરતા છત્રપતિ સંભાજી રાજે. તસવીર : અતુલ કાંબળે

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી દરિયામાં જઈને નિરીક્ષણ કરતા છત્રપતિ સંભાજી રાજે. તસવીર : અતુલ કાંબળે


૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જળાભિષેક કરવામાં આવ્યો હતો : ગઈ કાલે સંભાજી રાજેએ અરબી સમુદ્રમાં જઈને સ્મારકના કામનું નિરીક્ષણ કર્યું : જોકે નોંધનીય વાત એ છે કે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે એના બાંધકામ પર રોક લગાવી હતી


ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની રાજ્ય સરકારે અરબી સમુદ્રમાં શિવાજી મહારાજનું સ્મારક બનાવવા માટે ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જળાભિષેક કરાવ્યો હતો, પણ ત્યાર બાદ એ કામ ક્યાં પહોંચ્યું એ જોવા માટે ગઈ કાલે પોતાના સમર્થકો સાથે પુણેથી મુંબઈ આવેલા છત્રપતિ શિવાજી મહારાજના ૧૩મા વંશજ છત્રપતિ સંભાજી રાજેને પોલીસે અટકાવતાં તેઓ જબરદસ્ત આક્રમક થયા હતા. તેમણે સરકારને પ્રશ્ન કર્યો હતો કે ‘૨૦૧૬માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સરકારે વડા પ્રધાનના હસ્તે અરબી સમુદ્રમાં જ્યાં સ્મારક બનવાનું છે ત્યાં જળાભિષેક કરાવ્યો હતો. પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ કાર્યક્રમ માટે આવતા હોય તો એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે સ્મારક માટે જરૂરી તમામ પરવાનગી સરકાર પાસે હશે, એના સિવાય કોઈ વડા પ્રધાન ન આવે. ત્યારે હું પણ ત્યાં હાજર હતો. મને પણ ગર્વનો અનુભવ થયો હતો. મારે સરખામણી નથી કરવી, પણ જો ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટૅચ્યુ બની શકે છે તો અત્યાર સુધીમાં શિવરાયાનું સ્મારક પણ બની જવું જોઈતું હતું. હું કોઈ રાજકીય ભાષણ નથી કરી રહ્યો. હું એ કુટુંબમાંથી આવું છું એટલે મને બોલવાનો અધિકાર છે.’



પોતાના સમર્થકોને પોલીસે તાબામાં લઈને તેમને પણ અરબી સમુદ્રમાં તપાસ કરવા જતા અટકાવ્યા હોવાથી સંભાજી રાજે ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે ‘અમે કોઈ ગુંડાગીરી કરીએ છીએ? અમે ફક્ત દરિયામાં જઈને જોઈને પાછા આવવાના છીએ. અમે કાયદો પણ હાથમાં નહીં લઈએ. મારે કોઈ રાજકારણ નથી કરવું. મારે રાજ્યના ૧૩ કરોડ લોકોને જળાભિષેક ક્યાં થયો હતો એ બતાવવું છે. હવે શિવાજી મહારાજના નામ પર જરાય ખોટું નહીં ચાલે.’


ત્યાર બાદ પોલીસે સંભાજી રાજેને અમુક સમર્થકો સાથે અરબી સમુદ્રમાં જવા દીધા હતા. તેમણે પણ બોટમાંથી દૂરબીનની મદદથી જ્યાં સ્મારક બનવાનું છે એ જગ્યાને નિહાળી હતી. જોકે તેમણે સરકારને વધુ એક પ્રશ્ન પૂછતાં કહ્યું હતું કે જો તમે સ્મારક ન જ બનાવવાના હો તો સ્પષ્ટ કહી દો કે અમે સ્મારક નહીં બનાવી શકીએ અને એ પૈસા કિલ્લાના સંવર્ધન અને જતન માટે વાપરવામાં આવશે એ જાહેર કરો.

જોકે નોંધનીય વાત એ છે કે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે એક જનહિત યાચિકાની સુનાવણી દરમ્યાન સ્મારકને લીધે પર્યાવરણને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને એના બાંધકામ પર રોક લગાવી હતી. 


 

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK