નાશિકમાં તેમની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં ૮૦ ટકા ખુરસીઓ ખાલી રહેતાં પક્ષ, વારકરી અને સામાન્ય લોકો નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ
છગન ભુજબળ
મરાઠા સમાજને આરક્ષણ આપવાના સરકારના નિર્ણયનો વિરોધ કરીને ઓબીસી માટેની સભાઓ કરી રહેલા એનસીપીના વરિષ્ઠ ઓબીસી નેતા અને કૅબિનેટ પ્રધાન છગન ભુજબળે શનિવારે પહેલી વખત જાહેર કર્યું હતું કે તેમણે નવેમ્બર મહિનામાં જ કૅબિનેટ પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિવેદનના ૨૪ કલાકમાં જ એનસીપી પક્ષ, વારકરી સમાજ અને સામાન્ય જનતાએ તેમના તરફથી પીઠ ફેરવી લીધી હોવાની ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. નાશિકમાં ગઈ કાલે આયોજિત ‘વારી આપલ્યા દારી’ કાર્યક્રમના ચીફ ગેસ્ટ છગન ભુજબળ હતા, પણ એમાં ૮૦ ટકા ખુરસીઓ ખાલી રહી હતી.
એનસીપીના અજિત પવાર જૂથ અને શ્રીમંત શ્રી જગદગુરુ સંત તુકારામ મહારાજ જનસેવા પ્રતિષ્ઠાન દ્વારા નાશિકમાં ગઈ કાલે ‘વારી આપલ્યા દારી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ચીફ ગેસ્ટ છગન ભુજબળ હતી. પંચવટી પરિસરમાં એક લૉનમાં આ કાર્યક્રમ ગઈ કાલે થયો હતો, પરંતુ એમાં ૮૦ ટકા ખુરસીઓ ખાલી જોવા મળી હતી. આવું કેમ થયું? શું એનસીપી, વારકરી સમાજ અને જનતાએ છગન ભુજબળથી પીઠ ફેરવી લેતાં આવી સ્થિતિ ઊભી થઈ છે એવો સવાલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ઓબીસી સમાજના હિત માટે પોતે પ્રધાનપદેથી રાજીનામું નવેમ્બર મહિનામાં જ આપી દીધું હોવાનો દાવો છગન ભુજબળે કર્યો હતો. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે આની જાહેરાત ન કરવાની વિનંતી કરી હતી એટલે પોતે ચૂપ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. છગન ભુજબળના રાજીનામા વિશે અજિત પવાર કે એનસીપીના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ પણ પોતાને કંઈ ખ્યાલ ન હોવાનું કહ્યું હતું.
આ વિશે ઉદ્ધવ ઠાકરે જૂથે સરકારની ટીકા કરતાં ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે છગન ભુજબળનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું.
ફાયરિંગ કરનારા વિધાનસભ્ય સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરનારા બીજેપીના કલ્યાણના વિધાનસભ્ય ગણપત ગાયકવાડની પોલીસે હત્યાનો પ્રયાસ કરવાના આરોપસર ધરપકડ કરી છે ત્યારે તેમની અને તેમના સહયોગીઓ સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. ૩૧ જાન્યુઆરીએ બપોરના સમયે પોતાને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાનો દાવો કરીને નીતા એકનાથ જાધવ નામની મહિલાએ વિધાનસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના સાત સહયોગીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.
દરમ્યાન, હિલલાઇન પોલીસ સ્ટેશનમાં મહેશ ગાયકવાડે ૪૦૦ જેટલા લોકોને એકત્રિત કરીને પુત્ર વૈભવની મારપીટ કરવાની શરૂઆત કરી હોવાનો દાવો આરોપી વિધાનસભ્ય ગણપત ગાયકવાડે કર્યો હતો. આ સંબંધી ગઈ કાલે એક વિડિયો બહાર આવ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો વૈભવ ગાયકવાડને ધક્કે ચડાવતા જોવા મળે છે.
પવાર કાકા-ભત્રીજો ફરી ચર્ચામાં
એનસીપીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમના કાકા શરદ પવારની આ છેલ્લી ચૂંટણી છે એવી ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદનના જવાબમાં શરદ પવાર જૂથે અજિત પવારને અમાનવીય કહ્યા છે અને તેઓ શરદ પવારના મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.
શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ગઈ કાલે અજિત પવારને જવાબ આપતાં કહ્યું હતું કે ‘અજિત પવારે શિષ્ટતાની બધી હદ વટાવી નાખી છે. તેમણે પોતાની અમાનવીય કમેન્ટ વિશે વિચારવું જોઈએ જેમાં તેઓ શરદ પવારના મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના આવા નિવેદનથી હવે મહારાષ્ટ્ર સમજી ગયું છે કે અજિત પવાર કેવી વ્યક્તિ છે. મહારાષ્ટ્ર માટે શરદ પવારનું યોગદાન કાયમ રહેશે.’

