સંસ્થા દ્વારા પ્રિન્સિપાલે કરેલા આરોપોની તપાસ કરવા માટે કમિટી તો નીમી, પણ એનો અહેવાલ ન આવે ત્યાં સુધી પ્રિન્સિપાલને કરી દીધા સસ્પેન્ડ
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરની એક જાણીતી એજ્યુકેશનલ સંસ્થાની સ્કૂલ અને જુનિયર કૉલેજનાં મહિલા પ્રિન્સિપાલે સંસ્થાના ટ્રસ્ટી દ્વારા તેમનો વિનયભંગ કરાયાની ફરિયાદ ચેમ્બુરના આરસીએફ પોલીસ સ્ટેશનમાં કર્યા બાદ હવે સંસ્થાએ એ મહિલા પ્રિન્સિપાલને હાલ જ્યાં સુધી કેસની તપાસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધાં છે. જોકે નિયમ મુજબ દરેક સંસ્થામાં જો કોઈ મહિલાની જાતીય સતામણી થાય તો કાયદા મુજબ એની તપાસ કરવા એક ઇન્ટરનલ સમિતિ રાખવાની હોય છે. આ સંસ્થાએ પણ એની એ સમિતિમાં આ મહિલા પ્રિન્સિપાલનો કેસ મૂક્યો છે અને સમિતિ હવે એ બદલ તપાસ કરશે.
મહિલા પ્રિન્સિપાલે જે દિવસે તેમની સાથે એ ઘટના બની (નવમી ડિસેમ્બર) ત્યાર બાદ એની ફરિયાદ આરસીએફ પોલીસમાં કરી હતી અને ત્યાર બાદ ૧૦ ડિસેમ્બરે આ સંદર્ભે આરસીએફ પોલીસમાં લેખિત ફરિયાદ પણ આપી હતી. એની સાથે જ સ્કૂલ મૅનેજમેન્ટને પણ એક ઈ-મેઇલ લખીને એની જાણ કરી હતી.
ADVERTISEMENT
સ્કૂલ દ્વારા ત્યાર બાદ તેમને વળતો જવાબ આપવામાં આવ્યો હતો અને એમાં કહેવાયું હતું કે આ કેસની જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરાય છે. આ ઉપરાંત એમાં એમ પણ કહેવાયું હતું કે ‘જો તેમને તેમણે કહેલા આરોપી ટ્રસ્ટીને મળવું હતું તો તેઓ સ્કૂલમાં કે પછી ટ્રસ્ટની ઑફિસમાં તેમને મળી શક્યાં હોત. તેમણે એ ટ્રસ્ટીના ખાનગી દવાખાને જવાની જરૂર નહોતી. બીજું, પ્રિન્સિપાલની રૂએ તમારે તમારા સબોર્ડિનેટ્સના જે અહેવાલ રજૂ કરવાના હોય છે એ પણ તમે કરતાં નથી, બાળકોને ભણાવતાં નથી અને સ્ટાફ સાથે પણ તમારું વર્તન યોગ્ય નથી એવી અમને ફરિયાદો મળી છે.’
વળી સંસ્થા દ્વારા તેમની જ્યારે નિમણૂક થયેલી ત્યારે સંસ્થાએ નક્કી કરેલા પગાર (૭૫,૦૦૦ રૂપિયા) અને સરકાર તરફથી મળતી પગારની સહાય વચ્ચેના ડિફરન્સને સંસ્થા ચૂકવવાની હતી અને ચૂકવતી પણ હતી. જોકે એ પછી સરકાર દ્વારા અપાતા પગારની રકમમાં વધારો થયા બાદ પણ સંસ્થા દ્વારા તેમને એ ડિફરન્સની રકમ ચૂકવાતી હતી. સંસ્થાએ ૨૦૧૮થી એ વધારાની ચૂકવાયેલી રકમ ૧૦,૪૭,૫૪૭ રૂપિયા હવે પ્રિન્સિપાલ પાસે પાછી માગી છે.
ફરિયાદની મને આ પહેલાં નથી કરાઈ
મૅનેજમેન્ટે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરતી વખતે આપેલા લેટરમાં તેમની સામે અન્ય સ્ટાફ-મેમ્બરો દ્વારા ફરિયાદ કરાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. એ સદંર્ભે પ્રિન્સિપાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું એ સ્કૂલ અને જુનિયર કૉલેજમાં પ્રિન્સિપાલ છું અને ઍડ્મિન હેડ પણ છું. એથી મારા સબ-ઑર્ડિનેટને કોઈ બાબતે અસંતોષ હોઈ શકે, પણ એથી મારી સામે ફરિયાદ કરાઈ છે એવું મને હાલમાં આ ઇન્સિડન્ટ પછી જ જણાવવામાં આવ્યું છે. આ પહેલાં મારી સામે કોઈ ફરિયાદ થઈ નથી. બીજું, જે દિવસે આ ઘટના બની એ જ દિવસે આરસીએફ પોલીસમાં જઈને મેં એ વિશે જાણ કરી હતી અને પોલીસે પણ એ દિવસે મારું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. હવે પોલીસ એમ કહે છે કે તમે જે લેખિતમાં ફરિયાદ આપી છે એ અમને મળી છે, એથી અમે તમારું સ્ટેટમેન્ટ ફરી નોંધીશું. મારું એમ કહેવું છે કે તો પછી ૯ ડિસેમ્બરે જે નોંધ્યું એને કેમ તમે વૅલિડ નથી ગણતા? એ તો તમારી પાસે છે જ. જોકે પોલીસ તરફથી ત્યાર બાદ અમને ફરી સ્ટેટમેન્ટ નોંધાવવાનું કહેવામાં આવી રહ્યું છે. અમે એ આપવા પણ તૈયાર છીએ, પણ તો પછી ઘટનાના દિવસના સ્ટેટમેન્ટનું શું? એ વિશે તેઓ કશું નથી કહી રહ્યા.’
આ બધી બાબતો સંદર્ભે સંસ્થાની મૅનેજિંગ કમિટીએ પ્રિન્સિપાલને શોકૉઝ નોટિસ મોકલીને એનો જવાબ આપવા જણાવ્યું છે અને તેમનો એ જવાબ મળ્યા બાદ આગળ શું પગલાં લેવાં એ નક્કી કરાશે એમ જણાવ્યું છે.