આગ લાગ્યા પછી ઘરના કબાટમાં રાખેલી લાખોની કૅશ અને દસ તોલા સોનાના દાગીનાની ચોરી
પરિવારના જણાવ્યા અનુસાર ગુપ્તા ફૅમેલીનું કબાટ જ્યાં કિંમતી સામાન રાખવામાં આવ્યું હતું તે તુટેલું હતું
ચેમ્બુરના સિદ્ધાર્થનગરમાં રવિવારે બનેલી આગની દુર્ઘટનામાં નીચે દુકાન અને ઉપર મકાન ધરાવતા ગુપ્તા પરિવારે તેના સાત સભ્યોને ગુમાવ્યા હતા. એ દુ:ખ ઓછું હોય એમ હવે તેમને જાણ થઈ છે કે આગ પછી ઘરના લોખંડના કબાટમાં રાખેલી લાખો રૂપિયાની રોકડ અને દસ તોલા સાનાના દાગીના ચોરાઈ ગયાં છે. આમ એ પરિવારને પડ્યા પર પાટુ લાગ્યાની સ્થિતિ ઊભી થઈ છે.
ભોંયતળિયે આવેલી કરિયાણાની દુકાનમાં રવિવારે સવારે આગ ફાટી નીકળી હતી. એ વખતે પહેલા માળેથી નીચે ઊતરીને બહાર પડવાની એક જ સીડી અને એ પણ ઘરની અંદરથી જ હોવાથી ઘરના લોકો ફસાઈ ગયા હતા અને સાત લોકો ગંભીર રીતે દાઝીને મૃત્યુ પામ્યા હતા. આગની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. એ વખતે આગ ઓલવવા ફાયર-બ્રિગેડના લોકો આવ્યા હતા. ત્યાર બાદ એ બળતા ઘરમાં કોણ ગયું એની પરિવારના બચી ગયેલા સભ્યોને પણ ખબર નથી. જોકે હવે જ્યારે ઘરનો લોખંડનો કબાટ ખુલ્લો જોયો ત્યારે એમાં રાખેલી લાખો રૂપિયાની રોકડ અને સોનાના દાગીના ચોરાઈ ગયાં હોવાની જાણ થઈ છે. આ સંદર્ભે ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘટનાસ્થળે જઈને પરિવારના બચી ગયેલા સભ્યોની મુલાકાત લઈને તેમને આશ્વાસન આપ્યું હતું અને સરકાર તરફથી મરનાર દરેકને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, જે લોકો બચી ગયા છે તેમની સારવાર માટેનો ખર્ચ પણ સરકાર આપશે. આ ઉપરાંત ઘર અને દુકાનની જગ્યા બાબતે અધિકારીઓ સાથે બેઠક લઈને નિર્ણય લેવામાં આવશે. આ આગની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.