સાઇબર ક્રાઇમનો ભોગ બનેલી ‘ક્રાઇમ પૅટ્રોલ’ની હિરોઇને આવું કહેતાં ગઠિયાએ સામે ચોપડાવી કે તારી કિસ્મતમાં જ બરબાદ થવાનું લખેલું હતું
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં રહેતી અને ક્રાઇમ પૅટ્રોલ, કસમ, આહટ જેવી સિરિયલોમાં હિરોઇનનું કૅરૅક્ટર ભજવતી યુવતીને સોશ્યલ મીડિયા પર મેસેજ કરીને રજનીકાંતની ‘જેલર’ મૂવીમાં તેમની પુત્રીનો મેઇન રોલ આપવાની લાલચ આપીને બે ગઠિયાઓએ અલગ-અલગ બહાનાં હેઠળ તેની પાસેથી સાડાઆઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એ પછી રજનીકાંત સાથેનું એક પોસ્ટર પણ તેને વૉટ્સઍપ પર મોકલવામાં આવ્યું હતું. એ પોસ્ટર યુવતીએ પોતાના સોશ્યલ મીડિયા પર નાખ્યું ત્યારે રજનીકાંત મૂવીના કો-ડિરેક્ટરે તેને ફોન કરીને એ બોગસ પોસ્ટર કાઢવા માટે કહ્યું એ વખતે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી. વર્સોવા પોલીસ સ્ટેશને આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
અંધેરી-વેસ્ટમાં ચાર બંગલા વિસ્તારમાં અંબાણી હૉસ્પિટલ નજીક આવેલી સોસાયટીમાં રહેતાં ૫૬ વર્ષનાં વનિતા સૂરિએ કરેલી ફરિયાદ અનુસાર તેમની ૩૨ વર્ષની પુત્રી સના સૂરિ ઍક્ટ્રેસ છે અને તેણે ક્રાઇમ પૅટ્રોલ, કસમ, આહટ જેવી સિરિયલોમાં હિરોઇનનું કૅરૅક્ટર ભજવ્યું છે. ૨૦૨૨ની ૨૨ જુલાઈએ સનાના ઇન્સ્ટાગ્રામ પર એક યુવકે મેસેજ કર્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે રજનીકાંતની ‘જેલર’ મૂવી માટે ફ્રેશ ચહેરો જોઈએ છે એટલે જો તમે આ રોલ કરવા માગતાં હો તો આપેલા ફોન-નંબર પર સંપર્ક કરો. એના પર સંપર્ક કરતાં સામે પીયૂષ જૈન નામનો યુવક હતો, જેણે પોતે ‘જેલર’ મૂવીનો કાસ્ટિંગ ડિરેક્ટર હોવાનું કહ્યું હતું. તેણે સનાને કહ્યું હતું કે તું પોલીસ યુનિફૉર્મમાં તારો એક વિડિયો તૈયાર કરીને મને મોકલ. એ મોકલ્યા પછી બે દિવસ રહીને પીયૂષનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તું ‘જેલર’ મૂવીમાં લેડી પોલીસ ઑફિસર તરીકે સિલેક્ટ થઈ ગઈ છે. તેણે આગળ કહ્યું હતું કે રજનીકાંતની સામે તેની પુત્રી પોલીસ છે એ રોલ તને આપવામાં આવ્યો છે. એ પછી વિડિયો કૉલ પર સમીર નામના યુવક સાથે ચૅટ દરમ્યાન સનાને શહીદ અને પુષ્પા-2 જેવી મૂવીમાં પણ સારા રોલ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. એ પછી સનાને જાન્યુઆરી ૨૦૨૩માં શૂટિંગ માટે દુબઈ અને પૅરિસ જવા માટે ટિકિટના તથા એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ જેવાં બીજાં બહાનાં કરીને ધીરે-ધીરે ૮,૪૮,૭૫૯ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન વધુ પૈસા પડાવવા માટે છેતરપિંડી કરનાર ગઠિયાઓએ સનાને વૉટ્સઍપ પર ‘જેલર’ મૂવીનું પોસ્ટર મોકલ્યું હતું, જેમાં સના દેખાતી હતી. સનાએ એ પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ પર નાખ્યું હતું. એના થોડા દિવસમાં ‘જેલર’ મૂવીના કો-ડિરેક્ટર પ્રણવનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેં શા માટે બોગસ પોસ્ટર તારા ઇન્સ્ટાગ્રામ આઇડી પર નાખ્યું છે? એ પછી સનાએ પોતાનો રોલ હોવાનો દાવો કરતાં પ્રણવે તમામ માહિતી ખોટી હોવાનું કહ્યું હતું. એ પછી સનાએ છેતરપિંડી કરનાર યુવાનને ફોન કરીને કહ્યું કે હું તારા કારણે બરબાદ થઈ ગઈ છું. ત્યારે તે યુવાને સનાને કહ્યું કે તારી કિસ્મતમાં જ બરબાદ થવાનું લખેલું હતું. આ ઘટનાની ફરિયાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
વર્સોવા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જાવેદ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને
અમે તપાસ શરૂ કરી છે. ફરિયાદી
યુવતીને ‘જેલર’ મૂવીમાં રોલ આપવાના બહાને છેતરપિંડી કરનાર યુવકે પૈસા પડાવ્યા હતા.’