સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન સાથે નવી દિલ્હી અને અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે કૅબિનેટમાં ૧૦ હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી અપાઈ
સીએસએમટીનાં રૂપરંગ હશે આવા
સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે ખૂબ સારા સમાચાર ગઈ કાલે કૅબિનેટમાં લેવાયા હતા. એ અનુસાર સેન્ટ્રલ રેલવેના સૌથી મહત્ત્વના રેલવે સ્ટેશન સીએસએમટીની ટૂંક સમયમાં કાયાપલટ કરવામાં આવશે. આ સાથે જ નવી દિલ્હી અને અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે કૅબિનેટમાં ૧૦ હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી અપાઈ હોવાથી આગામી દસેક દિવસમાં ટેન્ડર બહાર પડશે અને આવનાર અઢી વર્ષમાં કામ પૂરું થવાની શક્યતા પણ વર્તાઈ છે.
હાલ ૧૯૯ સ્ટેશનોનાં પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. એમાંથી ૪૭ સ્ટેશનો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. બાકીનું કામ માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૩૨ સ્ટેશનોનું કામ ઝડપથી શરૂ થઈ ગયું છે. કૅબિનેટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, અમદાવાદ અને નવી દિલ્હી આ ત્રણ મોટાં સ્ટેશનો માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી હોવાથી પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળશે.
ADVERTISEMENT
રેલવે સ્ટેશનના પુનઃવિકાસમાં સ્ટેશન પર રૂફ પ્લાઝા હશે. સ્ટેશન શહેરના બન્ને ભાગોને જોડશે. અહીં ફૂડ-કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, બાળકો માટે પ્લે એરિયા, સ્થાનિક ઉત્પાદનો માટેનો વિસ્તાર વગેરે સુવિધાઓ હશે. આ ઉપરાંત મધ્યમાં આવેલાં આ સ્ટેશનો પર નાગરિકોની સુવિધા માટે સિટી સેન્ટર જેવી જગ્યા બનાવવામાં આવશે. સ્ટેશનના પરિસરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને પ્લાનમાં પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. મેટ્રો, બસ વગેરે પરિવહનનાં અન્ય માધ્યમોને સ્ટેશનમાં એકત્રિત કરવામાં આવશે તેમ જ ગ્રીન બિલ્ડિંગની ટેક્નૉલૉજી અને વિકલાંગ મૈત્રીપૂર્ણ સુવિધાઓ માટે ખાસ કાળજી લેવામાં આવી છે. આ સ્ટેશનોને ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગના કન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે.