સેન્ટ્રલ રેલવેએ ૧૬ એપ્રિલથી ૧૪ નૉન-AC ટ્રેનને ACમાં ફેરવવાનો નિર્ણય લીધો એને પગલે પ્રવાસીઓમાં રોષ
AC ટ્રેન
સેન્ટ્રલ રેલવેએ ઉનાળાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે એ માટે ૧૬ એપ્રિલથી ૧૪ નૉન-AC ટ્રેનને કૅન્સલ કરીને એને બદલે AC ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. જોકે એના આ નિર્ણયને કારણે નૉન-AC ટ્રેનના પ્રવાસીઓમાં રોષ વ્યાપી ગયો છે અને ફરી એક વખત આ મુદ્દે મામલો ગરમાય એવી પૂરી શક્યાતાઓ છે. આ વખતે આ AC ટ્રેનની સર્વિસ બદલાપુર, કલ્યાણ અને વિદ્યાવિહારથી ચાલુ કરવામાં આવશે.
કલ્યાણ-કસારા રેલવે પૅસેન્જર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ શૈલશ રાઉતે આ બાબતે કહ્યું કે ‘AC ટ્રેન દોડાવવાનો નિર્ણય એ સામાન્ય પ્રવાસીઓના હિતમાં નહીં હોય. આને કારણે ઑર્ડિનરી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ગિરદી વધશે અને એને કારણે અકસ્માત પણ થઈ શકે છે, જેમાં લોકોના જીવ પણ જવાની શક્યતા નકારી શકાય નહીં.’
ADVERTISEMENT
બદલાપુરના પ્રવાસી અનુપ મ્હેત્રેએ કહ્યું હતું કે ‘ભવિષ્યની જરૂરિયાતો જોતાં અને ટ્રેનમાંથી લોકો પડીને જીવ ન ગુમાવે એ માટે AC ટ્રેનનું પગલું આવકારદાયક છે, પણ ઍડ્મિનિસ્ટ્રેશને એ પણ જોવું જોઈએ કે એનું ભાડું સામાન્ય લોકોને પરવડું જોઈએ, જેથી વધુ ને વધુ લોકોને એનો ફાયદો મળે. સાથે જ ઑર્ડિનરી ટ્રેનોની ફ્રીક્વન્સી પણ વધારવી જોઈએ અને એ સમયસર દોડે એ પણ એટલું જ જરૂરી છે.’

