હાલ ૨૫૦ રૂપિયાનો જે દંડ છે એ અત્યારની મોંઘવારી સામે મામૂલી જણાઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લોકલ ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરતા લોકો પાસેથી વસૂલ થતી દંડની રકમમાં છેલ્લે ૨૦૦૪માં વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે મિનિમમ દંડની રકમ ૫૦ રૂપિયા હતી જે વધારીને ૨૫૦ કરવામાં આવી હતી. એ પછી એમાં કોઈ વધારો કરાયો નથી એટલે હવે સેન્ટ્રલ રેલવે દ્વારા રજૂઆત કરાઈ છે કે દંડની રકમમાં વધારો કરવામાં આવે.
સેન્ટ્રલ રેલવેએ ગયા ફાઇનૅન્શિયલ યરમાં ૨૦.૫૬ લાખ કેસ નોંધીને ૧૧૫ કરોડ રૂપિયાનો, જ્યારે વેસ્ટર્ન રેલવેએ ૯.૬૨ લાખ ઉતારુઓ પાસેથી ૪૬ કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર (વર્ક્સ)એ ચીફ કમર્શિયલ મૅનેજરને પત્ર લખીને કહ્યું છે કે ટ્રેનો પણ અપગ્રેડ કરાઈ છે અને સાથે જ સ્ટેશનો પર પણ ઘણીબધી સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે હવે એનો ગેરકાયદે, ટિકિટ વગર પ્રવાસ કરીને ઉપયોગ કરતા ખુદાબક્ષો પાસેથી વસૂલ કરવામાં આવતી દંડની રકમ વર્ષો પહેલાં નક્કી થયેલી જ વસૂલ કરવામાં આવે છે એટલે એમાં વધારો કરવામાં આવે.
ADVERTISEMENT
પત્રમાં એમ પણ કહેવાયું છે કે ‘લોકલ ટ્રેનમાં અને ખાસ કરીને AC ટ્રેનમાં ગિરદી વખતે અને રાતના સમયે ઘણા લોકો વગર ટિકિટે પ્રવાસ કરે છે. એનાથી ટિકિટ કઢાવીને પ્રવાસ કરે છે એવા પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડે છે. વળી હાલ ૨૫૦ રૂપિયાનો જે દંડ છે એ અત્યારની મોંઘવારી સામે મામૂલી જણાઈ રહ્યો છે એટલે દંડની રકમમાં વધારો કરવામાં આવે.’