સીબીઆઇએ ક્લોઝર રિપોર્ટ રજૂ કરતાં હત્યામાં કોઈ પૉલિટિકલ ઍન્ગલ ન હોવાનું જણાતાં રાણે પિતા-પુત્રના આરોપ ખોટા ઠર્યા
દિશા સાલિયન, સુશાંત સિંહ રાજપૂત
બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનનું મૃત્યુ દારૂના નશામાં ઉપરથી નીચે પટકાવાને કારણે થયું હોવાનું આ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે. દિશાનું મૃત્યુ મલાડમાં ૧૪ માળની ઇમારતના ફ્લૅટમાંથી નીચે પટકાવાને લીધે થયું હોવાનું અને તે એ સમયે નશામાં હતી એવું તેના ફૉરેન્સિક રિપોર્ટમાં જણાઈ આવ્યું છે. સીબીઆઇના આ રિપોર્ટ બાદ દિશાની હત્યામાં આદિત્ય ઠાકરે કે બીજા કોઈ રાજકીય નેતા સંકળાયેલા ન હોવાનું કહી શકાય છે. નારાયણ રાણે અને તેમના પુત્ર દ્વારા દિશાના મૃત્યુ વખતે ઘટનાસ્થળે આદિત્ય ઠાકરે સહિતના રાજકીય નેતાઓ હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
૨૦૨૦ની ૮ જૂને મલાડની એક ઇમારતના ૧૪મા માળેથી નીચે પટકાવાને લીધે સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનનું મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસે ૨૮ વર્ષની દિશા સાલિયનના મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. દિશાના મૃત્યુના છ દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ બાંદરામાં આવેલા તેના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા કરવામાં આવી હોવાના આરોપ થયા બાદ આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
સીબીઆઇએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની સાથે દિશા સાલિયનના કેસની પણ તપાસ કરી હતી. સાક્ષીઓનાં નિવેદનો, ફૉરેન્સિક રિપોર્ટ અને બીજા પુરાવાના આધારે સીબીઆઇએ જણાવ્યું છે કે દિશા દારૂના નશામાં હતી ત્યારે તે મલાડની એક ઇમારતના ૧૪મા માળેથી નીચે પટકાઈ હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
દિશાનાં માતા-પિતાએ વિનંતી કરેલી
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના પુત્ર નીતેશ રાણેએ દિશાની હત્યામાં આદિત્ય ઠાકરે અને તેમની નજીકના લોકોનો હાથ હોવાનો આરોપ કર્યો હતો. તેમના આવા આરોપથી પરેશાન થઈને દિશાનાં માતા-પિતાએ મીડિયા સામે આવીને હાથ જોડીને વિનંતી કરી હતી કે ‘દિશા અમને છોડીને જતી રહી છે ત્યારે કેટલાક નેતાઓ તેના મૃત્યુ બાબતે જાત-જાતના આરોપ કરીને તેની બદનામી કરી રહ્યા છે. મહેરબાની કરીને આ બદનામી બંધ કરો. કોઈને દિશાને કે અમારા પરિવારને બદનામ કરવાનો અધિકાર નથી. આવી રીતે બદનામી કરાતી રહેશે તો અમારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. આના માટે બદનામી કરી રહેલા નેતાઓ જવાબદાર રહેશે.’