વાનખેડે સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે મુંબઈ, દિલ્હી, રાંચી અને કાનપુર સહિત કુલ ૨૯ જગ્યાએ સીબીઆઇની રેઇડ : આર્યન ખાનને છોડવા શાહરુખ પાસે ૨૫ કરોડની માગ કરી હોવાના આરોપ
સમીર વાનખેડે
કોર્ડેલિયા ક્રૂઝ પર અરેન્જ કરાયેલી પાર્ટીમાં ડ્રગ્સનો છૂટથી ઉપયોગ થવાનો છે એવી માહિતીના આધારે એના પર કરાયેલી રેઇડ વખતે પકડાયેલા બૉલીવુડ કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને છોડવા માટે શાહરુખ ખાન પાસે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો આરોપ સમીર વાનખેડે પર એનસીબીએ કરેલી તપાસના અંતે અપાયેલા અહેવાલમાં કરાયો છે. એના આધારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ હવે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે સહિત અન્ય પાંચ જણ વિશ્વ વિજય સિંહ (તત્તકાલિન સુપરી ટેઇન્ડન્ટ), આશિષ રંજન(તત્તકાલિન ઇન્ટેલિજન્સ ઑફિસર),કે.પી.ગોસાવી( ખાનગી વ્યક્તિ) અને સનવિલે ડી સોઝા (ખાનગી વ્યક્તિ) સામે ગુનો નોંધીને તેમની અલગ-અલગ પ્રૉપર્ટી પર સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. એમાં મુંબઈ, દિલ્હી, રાંચી, કાનપુર એમ અલગ-અલગ ૨૯ જગ્યાએ સીબીઆઇની ટીમ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરાઈ હતી.
કોર્ડેલિયા ક્રૂઝ પરની ઑક્ટોબર ૨૦૨૧ની એ પાર્ટી વખતે આર્યન ખાન સામે શરૂઆતમાં ડ્રગ્સ રાખવું, એનું સેવન કરવું અને એનું વેચાણ કરવું જેવા ગુના નોંધાયા હતા. બાવીસ દિવસ સુધી આર્યન ખાનને પોલીસ-કસ્ટડીમાં રહેવું પડ્યું હતું અને ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. જોકે એ પછી તેના પર મૂકવામાં આવેલા આરોપ એનસીબીએ મે ૨૦૨૨માં પાછા ખેંચ્યા હતા અને પુરાવાના અભાવે તેને ક્લીન-ચિટ આપી હતી. સામે પક્ષે આ કેસમાં સમીર વાનખેડેએ સખતાઈ બતાવી હોવાના આરોપ થવા માંડ્યા હતા અને એ પછી સમીર વાનખેડેની ટૅક્સપેયર સર્વિસ ડિરેક્ટરેટ - ચેન્નઈના ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરી દેવાઈ હતી.
ADVERTISEMENT
ગયા જ અઠવાડિયે એનસીબીએ તેના સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહની હકાલપટ્ટી કરી હતી. વિશ્વ વિજય સિંહે કોર્ડેલિયા ક્રૂઝ પર કરાયેલી કાર્યવાહી વખતે ટીમની આગેવાની લીધી હતી. એ પછી શાહરુખ ખાનના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધરાયું ત્યારે પણ એ ટીમમાં તે હતા. જોકે તેમની હકાલપટ્ટીનો નિર્ણય અન્ય એક કેસમાં તેમની સંડોવણી જણાઈ આવતાં લેવાયો હતો. એ કેસ સંદર્ભે વિશ્વ વિજય સિંહને એપ્રિલ ૨૦૨૨થી સસ્પેન્ડ કરી દેવાયા હતા. એ પછી તેમની સામે ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી. એ ઇન્ક્વાયરીના રિપોર્ટમાં તેમની સંડોવણી જણાઈ આવતાં તેમને હવે પાણીચું આપી દેવાયું છે.
કોર્ડેલિયા ક્રૂઝ પરની એ કાર્યવાહી વખતે ઘણીબધી ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ થયા હતા. એમાં જે પંચ સાક્ષી લઈ જવાયા હતા એ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાના પણ આરોપ કરાયા હતા. એથી એ કાર્યવાહીની તપાસ સંદર્ભે ઇન્ક્વાયરી બેસાડાઈ હતી અને એનો અહેવાલ નવેમ્બર ૨૦૨૨માં આવ્યો હતો. એના આધારે સાત ઑફિસરો સામે ખાતાકીય પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.