આઇસીઆઇસીઆઇ બૅન્કના લોન-પ્રકરણમાં સીબીઆઇએ મુંબઈના ઘરેથી કરી ધરપકડ
આઇસીઆઇસીઆઇ બૅન્કનાં સીઇઓ ચંદા કોચર અને તેમના પતિને સંડોવતા લોન કૌભાંડમાં અરેસ્ટ કરાયેલા વિડિયોકૉન ગ્રુપના સ્થાપક વેણુગોપાલ ધૂતને મુંબઈની સીબીઆઇ કોર્ટમાં ગઈ કાલે હાજર કરાયા હતા. (તસવીર : આશિષ રાજે)
આઇસીઆઇસીઆઇ બૅન્કે ૨૦૦૯થી લઈને ૨૦૧૧ દરમ્યાન વિડિયોકૉન ગ્રુપને ૧૮૭૫ કરોડ રૂપિયાની લોન આપી હતી. એ વ્યવહારમાં ગેરરીતિઓ થઈ હોવાના આરોપ થયા હતા અને એ બદલ જાન્યુઆરી ૨૦૧૯માં સીબીઆઇએ એફઆઇઆર નોંધાવ્યો હતો. એ કેસમાં ગઈ કાલે સીબીઆઇએ વિડિયોકૉન ગ્રુપના સર્વેસર્વા વેણુગોપાલ ધૂતની તેમના મુંબઈના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
સીબીઆઇએ પહેલાં આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. એ બે મહત્ત્વની ધરપકડ બાદ હવે વિડિયોકૉન ગ્રુપના ચીફ વેણુગોપાલ ધૂતની ધરપકડ કરવામાં આવી છે. ચંદા કોચર અને દીપક કોચરના રિમાન્ડ પૂરા થતા હોવાથી તેમને પણ ગઈ કાલે સીબીઆઇ કોર્ટમાં હાજર કરાયાં હતાં. આ ત્રણેને ૨૮મી ડિસેમ્બર સુધીની સીબીઆઇ કસ્ટડી આપવામાં આવી છે. બૅન્ક દ્વારા નિયમો ચાતરીને આપવામાં આવેલી લોનના આ કેસને કારણે જ ચંદા કોચરે તેમનું સીઈઓ પદ છોડવું પડ્યું હતું. આ લોનને કારણે બૅન્કને આર્થિક નુકસાન ગયું હતું. જોકે શરૂઆતમાં બૅન્કે એ વખતનાં એનાં સીઈઓ ચંદા કોચરની બાજુ લીધી હતી, પણ એ પછી જ્યારે આ કેસની તપાસ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપવામાં આવી ત્યાર બાદ બૅન્કે પોતાનું સ્ટૅન્ડ બદલ્યું હતું, અને એ પ્રકરણની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ બી. એન. કૃષ્ણના વડપણ હેઠળની સમિતિને સોંપાઈ હતી.
ADVERTISEMENT
આ ચાર વર્ષોમાં વેણુગોપાલ ધૂતની અનેક વાર પૂછપરછ કરાઈ હતી. જોકે એ પછી તેમણે એ લોન મેળવવા કોચરદંપતીને લાંચ આપી હોવાના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા બાદ આખરે સીબીઆઇએ ગઈ કાલે તેમની ધરપકડ કરી હતી. સીબીઆઇએ એવો આરોપ કર્યો છે કે ૨૦૦૯માં વેણુગોપાલ ધૂતે તેમની વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડના નામે આઇસીઆઇસીઆઇ બૅન્કમાંથી ૩૦૦ કરોડ રૂપિયાની લોન પાસ કરાવવા કોચરદંપતીને ૬૪ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ કેસ સંદર્ભે મની લૉન્ડરિંગની તપાસ કરી હતી અને એ બદલનું ચાર્જશીટ ૨૦૨૦માં દાખલ કર્યું હતું અને એમાં જણાવ્યું હતું કે કોચરદંપતી અને વેણુગોપાલ ધૂતે એ લાંચની રકમનો વ્યવહાર કરવા ઘણી બધી કંપનીઓમાં એ રકમ ટ્રાન્સફર કરી હતી. ઈડીએ આ કેસમાં સપ્ટેમ્બર, ૨૦૨૦માં દીપક કોચરની ધરપકડ કરી હતી.. ઈડી દ્વારા એવા આક્ષેપ કરાયા હતા કે આઇસીઆઇસીઆઇ બૅન્ક દ્વારા સપ્ટેમ્બર, ૨૦૦૯માં વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડને જે રૂપિયા ૩૦૦ કરોડની લોન આપવામાં આવી (ઍક્ચ્યુઅલ ડિસ્બર્સમેન્ટ ૨૮૩.૪૫ કરોડ) એના બીજા જ દિવસે સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દીપક કોચરની કંપની ન્યુ પાવર રિન્યુએબલ્સ લિમિટેડને રૂપિયા ૬૪ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ એ વેણુગોપાલ ધૂતની કંપની હતી, જે તેમણે ચાલુ કરી હતી.