ચર્ની રોડમાં રહેતો પરિવાર ઘરમાં નહોતો ત્યારે ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરોએ પ્રભાવના માટે રાખેલા બે લાખ રૂપિયા અને દાદીના દાંતના ઑપરેશન માટેના પૈસા મળીને આશરે નવ લાખ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી કરી
ચોરીની ઘટના
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મુંબઈમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ચોરો ખાલી ઘરને ટાર્ગેટ કરતા હોય છે. ચર્ની રોડમાં રહેતો જૈન પરિવાર લોનાવલા ફરવા ગયો હતો. એ દરમિયાન તેમના ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરોએ પ્રભાવના માટે રાખેલા બે લાખ રૂપિયા અને ફરિયાદીનાં દાદીના દાંતના ઑપરેશન માટે રાખેલા ૫૦,૦૦૦ રૂપિયા એમ કુલ આશરે નવ લાખ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. આ ઘટનાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
ચર્ની રોડમાં ભણસાલી ઍલ્યુમિનિયમ નજીક બોટાવાલા બિલ્ડિંગના પહેલા માળે રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા મોક્ષ દિનેશ રાઠોડે કરેલી ફરિયાદ અનુસાર ૧૪ મેએ સાંજે ચાર વાગે ઘરના બધા સભ્યો લોનાવલા બે દિવસ માટે ફરવા ગયા હતા. ૧૬ મેએ રાતે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે મેઇન ડોરની ચાવી દરવાજામાં લગાડતાં દરવાજો ખૂલ્યો નહોતો. અંતે દરવાજાને ધક્કો મારી ખોલીને અંદર જઈને જોયું તો તમામ ચીજો અસ્તવ્યસ્ત પડી હતી. અંદર જઈને વધુ તપાસ કરતાં બેડરૂમમાં રાખેલું કબાટ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં ભગવાનની મૂર્તિઓ સાથે બીજા દાગીના તેમ જ નજીકના દેરાસરમાં પ્રભાવના માટે રાખેલા બે લાખ રૂપિયા અને દાદીના દાંતના ઑપરેશન માટે રાખેલા ૫૦,૦૦૦ રૂપિયા એમ કુલ નવ લાખ રૂપિયા માલમતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. અંતે આ ઘટનાની જાણ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
મોક્ષ રાઠોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડ પછી અમે સંઘને દેવદર્શન માટે લઈ જવાના હતા. એના માટે મારાં દાદીએ વર્ષોથી પૈસા જમા કર્યા હતા. એ સાથે પ્રભાવના આપવા માટે બે લાખ રૂપિયા બીજા જમા કર્યા હતા.
મારાં દાદીને દાંતનો દુખાવો ઘણા
વખતથી હતો એટલે એના માટે
૫૦,૦૦૦ રૂપિયા ભેગા કર્યા હતા. આ તમામ પૈસા સાથે દાગીનાની ચોરી અમારા ઘરમાં થઈ છે. મારા પપ્પાએ રાખેલી ચાંદીની મૂર્તિઓની પણ ચોરી થઈ છે જેની નોંધ પપ્પા ફરિયાદમાં પાછળથી કરવાના છે.’
એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ કેસમાં નજીકના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.’