ચોરો ભીડનો લાભ લઈને મોબાઇલ અને દાગીનાની ચોરી કરતા હોય છે
શનિવારે ચિંચપોકળીચા ચિંતામણિના આગમન વખતે ભારે ભીડ થઈ હતી. જોગેશ્વરીના જય જવાન ગોવિંદા પથકે ચિંતામણિને નવ થરની સલામી આપીને આવકાર્યા હતા.
ચિંચપોકળીચા ચિંતામણિના શનિવારે થયેલા આગમન વખતે ચોરોની ટોળકીઓ સક્રિય થઈ ગઈ હતી. એ વખતે આશરે ૪૦ કરતાં વધારે મોબાઇલ અને આઠ મહિલાનાં ચેઇન તથા મંગળસૂત્ર ચોરાયાં હોવાની ફરિયાદ કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી આઠ મોબાઇલ રિકવર કર્યા હતા. જોકે આ વર્ષે ચોરીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો કરીને પોલીસે કહ્યું હતું કે ચોરી કરતી ગૅન્ગના કેટલાક આરોપીઓને અમે પહેલાં જ તાબામાં લીધા હતા તેમ જ ચોરીના હૉટ સ્પૉટ નક્કી કરીને એના પર નજર રાખી હતી.
૨૦૨૨ના ગણેશોત્સવમાં આગમન વખતે આશરે ૩૫૦ મોબાઇલ અને દાગીના તથા ૨૦૨૩માં ૮૧ મોબાઇલ તેમ જ દાગીનાની ચોરીની થઈ હતી, જ્યારે આ વખતે આ આંકડો ૫૦ની અંદર આવ્યો હતો એમ જણાવતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાલબાગ-પરેલ વિસ્તારમાં ગણેશમૂર્તિનાં મોટાં કારખાનાં હોવાથી મુંબઈની મોટી મૂર્તિઓ અહીંથી જતી હોય છે. એમાં ચિંતામણિના આગમન વખતે મુંબઈ ઉપરાંત બહાર રહેતા લોકો પણ આવતા હોય છે ત્યારે ચોરો ભીડનો લાભ લઈને મોબાઇલ અને દાગીનાની ચોરી કરતા હોય છે. છેલ્લાં બે વર્ષમાં મોબાઇલની મોટા પ્રમાણમાં ચોરીની ઘટના અહીં નોંધાઈ હતી એટલે એના પર અમે પહેલેથી વર્કઆઉટ કરીને કઈ રીતે એને અટકાવવી એની તૈયારી કરી હતી. એમ છતાં આશરે ૪૦ કરતાં વધારે લોકોના મોબાઇલ ચોરાયા હતા. એમાં કેટલાકની મિસિંગની ફરિયાદો ઉપરાંત કેટલાકની ચોરીની ફરિયાદો અમે નોંધી છે. આ ઉપરાંત આઠ દાગીનાની ચોરીના કેસમાં પણ અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’
ADVERTISEMENT
એક ચેઇન-સ્નૅચર અને ત્રણ મોબાઇલ-ચોરોની અમે શનિવારે રાતે જ ધરપકડ કરી છે એમ જણાવતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય મોહિતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ચેઇન-સ્નૅચર પાસેથી અમે બે ચેઇન રિકવર કરી લીધી છે. આ ઉપરાંત ત્રણ મોબાઇલ-ચોરોને પકડીને તેમની પાસેથી આઠ મોબાઇલની રિકવરી કરવામાં અમને સફળતા મળી છે. અમારી એક ટીમ આ મોબાઇલ-ચોરોને પકડવા માટે કામ કરી રહી છે. બાકીના મોબાઇલ પણ અમે જલદી રિકવર કરી લઈશું.’

