સ્ટેશન પરના સીસીટીવી કૅમેરા બંધ હોવાથી રેલવે પોલીસને આરોપીઓને શોધવામાં પડી રહી છે મુશ્કેલી : રેલવે પોલીસે ૧૯૧૫માંથી માત્ર ૫૭૧ ગુના ઉકેલ્યા
ફાઇલ તસવીર
કોરોના બાદ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. એની સાથે ટ્રેનમાં કીમતી સામાનની ચોરીના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. આ વર્ષે કલ્યાણ-ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં ચોરીના ૧૯૧૫ કેસ નોંધાયા હતા, જેમાં આશરે ૫.૨૭ કરોડ રૂપિયાની માલમતા ચોરી થઈ હતી. આમાંથી રેલવે પોલીસે માત્ર દોઢ કરોડ રૂપિયાની માલમતા રિકવર કરી કરી છે. કલ્યાણ અને ડોમ્બિવલી સ્ટેશનની હદમાં આવતાં મોટા ભાગનાં રેલવે સ્ટેશનો પર સીસીટીવી કૅમેરા બંધ હોવાથી ચોરોને પકડવામાં મોટી પરેશાની થઈ રહી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ રેલવે પોલીસની હદમાં ૧૭ રેલવે પોલીસ સ્ટેશનોમાં કલ્યાણ અને ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં આ વર્ષે ચોરી અને બળજબરીપૂર્વક ચોરીના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે અહીં ટેક્નિકલ પ્રૉબ્લેમને કારણે આરોપીઓને પકડવામાં પોલીસને મોટી પરેશાનીનો સામનો કરવો પડતો જોવા મળી રહ્યો છે. કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી, બળજબરીપૂર્વકની ચોરી અને લૂંટના ૧૬૦૦ કેસ નોંધાયા હતા, જેમાં આશરે ૪.૫૦ કરોડની માલમતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આમાંથી પોલીસે ૪૬૦ ગુનાની તપાસ કરીને અંદાજે એક કરોડની માલમતા જપ્ત કરી છે. જોકે ૧૨૩૮ કેસ હજી પણ તપાસ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જો ડોમ્બિવલી રેલવે પોલીસની વાત કરીએ તો અહીં ૩૧૫ ગુના નોંધાયા હતા. એમાંથી ૧૧૯ ગુના ઉકેલાયા છે. આ ૩૧૫ ગુનામાં ૭૭ લાખ રૂપિયાનો માલસામાન ચોરાયો હતો. એમાંથી ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર અર્ચના દુસાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હદમાં સાત રેલવે સ્ટેશનો આવે છે. એમાંનાં ત્રણ રેલવે સ્ટેશન પર સીસીટીવી કૅમેરા ન હોવા બરાબર છે. અમુક વિસ્તારમાં ફેન્સિંગ ન લાગી હોવાથી ચોરો બિન્દાસ પોતાનું કામ કરી ત્યાંથી જ પાછા બહાર જતા હોય છે. એ સાથે-સાથે અમારી પાસે સ્ટાફની પણ અછત છે. આને કારણે અમને કેસોનો ઉકેલ લાવવામાં પરેશાનીઓ સામે આવી રહી છે.’
કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ઢગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનની હદ કલ્યાણથી કસારા અને કલ્યાણથી બદલાપુર સુધીની છે, જેમાં કેટલાંક રેલવે સ્ટેશન પર ફેન્સિંગ ન હોવાથી ચોરોને મોકળું મેદાન મળી જતું હોય છે. એ સાથે જ કેટલાંક રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટમાં સીસીટીવી કૅમેરા ન હોવાથી અધિકારીઓ ચોરોને શોધી શકતા નથી. એમ છતાં સામે આવતા કેસોને ધ્યાન પર લઈને અમે ચોરોને પકડવા માટે યોગ્ય જહેમત ઉઠાવી રહ્યા છીએ.’