લૅપટૉપ, કલર પ્રિન્ટર, લેમિનેશન મશીન, કરન્સી માટેનાં બટર પેપર, નોટોમાં ગોઠવવાનો RBI લખેલો લેટર જપ્ત કર્યો
૫૦૦ રૂપિયાની બનાવટી નોટો બનાવતી ટોળકી પકડાઈ
ભાયખલા પોલીસે ૫૦૦ રૂપિયાની બનાવટી નોટો બનાવતી ટોળકીને ઝડપી લીધી છે અને તેમની પાસેથી ૫૦૦ રૂપિયાની ૨૦૦ નોટો જપ્ત કરવામાં આવી છે. સાથે જ બનાવટી નોટો બનાવવા માટે વપરાતું નોટો છાપવાનું સ્પેશ્યલ પેપર, લૅપટૉપ અને પ્રિન્ટર સહિત અન્ય સામગ્રી વાડામાંથી જપ્ત કરાઈ છે. ભાયખલા પોલીસે આ સંદર્ભે ચાર આરોપીની ધરપકડ કરી છે.
ભાયખલા પોલીસના ક્રાઇમ ડિટેક્શન ઑફિસરને ખબરીએ માહિતી આપી હતી કે ૩ જણ બનાવટી નોટો વેચવા આવવાના છે. એથી વૉચ રાખી એ ત્રણ જણને ઝડપી લેવાયા હતા. તેમની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી ૫૦૦ રૂપિયાની ૨૦૦ બનાવટી નોટો મળી આવી હતી. વધુ તપાસ કરતાં એ બનાવટી નોટો પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નિહાલપાડામાં બનાવાઈ રહી હોવાની જાણ થતાં ત્યાં રેઇડ પાડવામાં આવી હતી. ત્યાંથી લૅપટૉપ, કલર પ્રિન્ટર, લેમિનેશન મશીન, કરન્સી માટેનો બટર પેપર, નોટોમાં ગોઠવવાનો RBI લખેલો તાર વગેરે જપ્ત કરવામાં આવ્યાં હતાં.