એનું કારણ છે બિલ્ડિંગ બનાવવા માટે વાપરવામાં આવતી FSIના પ્રીમિયમ પર ૧૮ ટકા GST વસૂલ કરવાની પ્રપોઝલ : પ્રોજેક્ટની કૉસ્ટમાં એનો સિંહફાળો હોવાથી સરકાર આટલો GST લેવાનો નિર્ણય લેશે તો ફ્લૅટની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
આજે યોજાનારી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની મીટિંગમાં બિલ્ડિંગ બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કાઉન્સિલ (BMC) દ્વારા આપવામાં આવતી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) પર જે પ્રીમિયમ વસૂલવામાં આવે છે એના પર ૧૮ ટકા GST લેવાની પ્રપોઝલ પર નિર્ણય લેવામાં આવે એ પહેલાં મુંબઈના બિલ્ડરોએ આ પગલાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને લીધે ઘરોની કિંમતમાં દસ ટકાનો વધારો થઈ જશે.
GST કાઉન્સિલ હેઠળ કામ કરતી ફિટમેન્ટ કમિટીના ટોચના અધિકારીઓએ પ્રીમિયમ પર GST લેવાનું સૂચન કર્યું છે. આ સમિતિએ ઍડિશનલ FSI પર લેવામાં આવતા પ્રીમિયમ પર પણ ૧૮ ટકા GST લેવાનું સૂચન કર્યું હોવાથી મુંબઈના બિલ્ડરોની ઊંઘ ઊડી ગઈ છે.
ADVERTISEMENT
એક બિલ્ડરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘સરકારે આવો નિર્ણય ન લેવો જોઈએ. તેમનું માનવું છે કે અમને ઇનપુટ ક્રેડિટ મળે છે, પણ એ જ્યારે GSTનો દર ૧૨ ટકા હતો ત્યારની વાત છે. અત્યારે પાંચ ટકા GST હોવાથી એના પર કોઈ ઇન્પુટ ક્રેડિટ નથી મળતી. કોઈ પણ બિલ્ડિંગ બનાવવામાં એક તૃતીયાંશ કૉસ્ટ પ્રીમિયમની હોવાથી એના પર ૧૮ ટકા GST નાખવાની એની આખા સેક્ટર પર અવળી અસર પડશે. અમારે કિંમતમાં થયેલો વધારો નાછૂટકે ગ્રાહકોને પાસ કરવો પડશે જેને લીધે ફ્લૅટની કિંમતમાં વધારો થશે.’
કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન્સ ઑફ ઇન્ડિયા (CREDAI)ના પ્રેસિડન્ટ બમન ઈરાનીએ પણ સરકારને FSI પરના પ્રીમિયમ પર GST ન લગાવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે ‘આખા પ્રોજેક્ટની જે કિંમત હોય છે એમાં FSI અને ઍડિશનલ FSI માટે જે પ્રીમિયમ લેવામાં આવે છે એનો હિસ્સો બહુ જ મોટો હોય છે. એવામાં ૧૮ ટકા GST લેવામાં આવશે તો એની આખી ઇન્ડસ્ટ્રી પર વિપરીત અસર થશે. ફાઇનૅન્શિયલ બર્ડન વધી જવાને લીધે એની સીધી અસર ફ્લૅટની કિંમત પર પણ પડશે. જો સરકાર GST લગાવવાનો કોઈ નિર્ણય લેશે તો એની અસર અત્યારે ચાલી રહેલા અનેક પ્રોજેક્ટ્સ પર પડશે જેને લીધે ડેવલપર્સ સમય પર પઝેશન પણ નહીં આપી શકે.’
એક જાણીતી રિયલ એસ્ટેટ કંપનીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારના સમયે સરકારે પ્રીમિયમ પર GST લેવાની ભૂલ ન કરવી જોઈએ. જો તેઓ ૧૮ ટકા અમારી પાસેથી લેશે તો પણ અમે તો ગ્રાહકો પાસેથી પાંચ ટકા જ GST લઈ શકીશું. બાકીની કૉસ્ટ કવર કરવા માટે નાછૂટકે ફ્લૅટની કિંમતમાં વધારો કરવો પડશે. આ સિવાય BMC આ GST લેવાનું હોવાથી એણે પણ GST રિટર્ન ફાઇલ કરવું પડશે. જો તેઓ સમયસર અને યોગ્ય રીતે આ કામ નહીં કરે તો અમારા અકાઉન્ટમાં ક્રેડિટ નહીં દેખાય અને અમારે વધારે એક ડિપાર્ટમેન્ટને ભાઈબાપા કરવા પડશે.’
FSI એટલે શું?
મુંબઈમાં ડેવલપમેન્ટ કન્ટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન (DCPR)ના નિયમ મુજબ મકાનોનું ડેવલપમેન્ટ કે રી-ડેવલપમેન્ટ કરી શકાય છે. એમાં જુદી-જુદી સ્કીમ હેઠળ બિલ્ડરો મકાન બનાવતા હોય છે. જોકે કોઈ પણ સ્કીમમાં ડેવલપમેન્ટ કરતી વખતે એક ઝોનલ FSI હોય છે એનો મતલબ એવો થયો કે જો તમારો પ્લૉટ ૧૦૦ સ્ક્વેર મીટરનો હોય તો એના પર FSIનું કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભર્યા વગર ૧૦૦ સ્ક્વેર મીટરનું બાંધકામ કરી શકાય છે. જોકે એની ઉપર DCPR મુજબ પ્રીમિયમ FSI, ઇન્સેન્ટિવ FSI, ઍડિશનલ FSI, ફન્જિબલ FSI જેવી અનેક FSI સ્કીમના નિયમ મુજબ મળતી હોય છે અને એના માટે પ્રીમિયમ ભરવું પડતું હોય છે. આવી બધી FSI મેળવીને બિલ્ડરો ત્રણથી લઈને પાંચ FSI સુધીનું બાંધકામ કરતા હોય છે.